નવી દિલ્હી, તા. 10 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે વડોદરામાં ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરામાં રમાનારા પહેલા વનડે મેચમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપર પૂરી નજર રહેશે. બન્ને ખેલાડી પોતાના શાનદાર ફોર્મને આગળ વધારવા માગશે. ન્યુઝીલેન્ડની ટીમમાં નવા અને યુવા ખેલાડીઓની ભરમાર છે પણ પૂરી તાકાત સાથે ઉતરી રહેલી ભારતીય ટીમ માટે રોહિત અને કોહલીની દૃષ્ટિએ શ્રેણી મહત્ત્વની છે. આગામી મહિને થનારા ટી20 વિશ્વકપ પહેલા વનડે શ્રેણીનું મહત્ત્વ આમ તોડું ઓછું છે પણ આગામી સાત દિવસ ચાલનારી શ્રેણીમાં બન્ને ખેલાડી આકર્ષણનું કેન્દ્ર રહેશે.
મેચમાં
ટી20 વિશ્વકપમાંથી બહાર કરવામાં આવેલા શુભમન ગિલની પ્રતિક્રિયા ઉપર નજર રહેશે. તેનું
ફોર્મ ચિંતાનો વિષય રહ્યું છે જ્યારે ગયા વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણીમાં
ઈજાના કારણે બહાર થયો હતો. ગિલની વાપસીથી યશસ્વી જયસ્વાલને શીર્ષ ક્રમમાંથી બહાર રહેવું
પડી શકે છે. જયસવાલે દક્ષિણ આફ્રિકા સામે ગયા મેચમાં પહેલી વનડે સદી કરી હતી. શ્રેયસ
અય્યરની વાપસીથી બેટિંગ ક્રમમાં ચાલી રહેલા પ્રયોગો ઉપર વિરામ લાગવાની સંભાવના છે.
તેમજ 31 વર્ષીય અય્યર ફરીથી ચોથા નંબરે બેટિંગ લગભગ નક્કી છે. કેએલ રાહુલ નીચલા ક્રમના
બેટ્સમેન અને વિકેટકીપરની ભૂમિકા જારી રાખશે તેવામાં પંતની ટીમમાં સામેલ થવાની સંભાવના ઓછી છે.
મેચ
પહેલા અય્યર, પંત અને મોહમ્મદ સિરાજ વિજય હઝારે ટ્રોફીમાં વ્યસ્તતાના કારણે તૈયારીમાં
સામેલ થયા નહોતા. જો કે રવીન્દ્ર જાડેજાએ ખુબ અભ્યાસ કર્યો હતો. જેનાથી જાડેજાની ઉપલબ્ધતાના
સંકેત મળ્યા હતા. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાને ટી20 પ્રતિબદ્ધતાને ધ્યાને રાખીને
વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેવામાં ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ
સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા ઉપર રહેશે. કુલદીપ યાદવ, વોશિંગ્ટન
સુંદર અને જાડેજા સ્પીન વિભાગને સંભાળશે.
ન્યુઝીલેન્ડ
તરફથી ઘણા પ્રમુખ ખેલાડીઓની ગેરહાજરીમાં માઈકલ બ્રેસવેલ ટીમની આગેવાની કરશે. નિયમિત
કેપ્ટન મિચેલ સેંટનર ગ્રોઈન ઈન્જરીના કારણે વનડે શ્રેણીમાંથી બહાર છે જ્યારે ટોપ લાથમ
બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરી ગયો છે. કેન વિલિયમસન દક્ષિણ આફ્રિકાની એસએ લીગમાં
રમી રહ્યો છે જ્યારે રચિન રવીન્દ્ર અને જેકબ ડફીને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન
કાઈલ જેમિસન અને લેગ સ્પિનર આદિત્ય અશોકના પ્રદર્શન ઉપર નજર રહેશે.