• સોમવાર, 18 મે, 2026

પંતની નિષ્ફળતા પર કોચ લેંગરે કહ્યું, 27 કરોડ સારા પ્રદર્શનની ગેરંટી નહીં

લખનઉ, તા.પ : પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગરે ઋષભ પંતની નિષ્ફળતા વિશે કહ્યું છે કે 27 કરોડ રૂપિયાની કિંમત હંમેશાં સારાં પ્રદર્શનની ગેરંટી આપતી નથી. લેંગરનું માનવું છે કે, પંત હાલ કપ્તાનીનાં દબાણનો સામનો કરી રહ્યો છે. એલએસજીના હેડ કોચ લેંગરે આ વાત ત્યારે કરી જ્યારે તેની ટીમ પ્લેઓફ રેસની લગભગ બહાર થઈ ગઈ છે. ટીમનો ગઈકાલે મુંબઈ સામે 228 રન જેવો મોટો સ્કોર કરવા છતાં હાર મળી હતી. આ મેચમાં પણ કપ્તાન પંતની નિષ્ફળતા ચાલુ રહી હતી.

મુંબઈ સામેની હાર પછી લખનઉના કોચ લેંગરે પંતના ફોર્મ વિશે ટિપ્પણી કરતા કહ્યું હું નથી માનતો કે આને ધનરાશી સાથે સંબંધ છે. કપ્તાન પદ સંભાળવું આસાન નથી હોતું. ઘણું દબાણ રહે છે. તે સતત પોતાની રીતે પ્રયાસ કરતો રહે છે અને આકરી મહેનત પણ કરે છે. અમે જયારે પંતને હસતો અને જોશીલા અંદાજમાં જોઇએ છીએ ત્યારે ઘણું સારું લાગે છે. તે ફોર્મમાં વાપસી કરવાથી વધુ દૂર નથી. પંત પડકારોનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે.

લેંગરે કહ્યું અમે એક દિવસ પહેલાં અભ્યાસ મેચ રમ્યો હતો. ત્યારે પંતે લગભગ 30-40 દડામાં 9પ રન બનાવ્યા હતા. તે જોઈને લાગે છે કે પંત સર્વશ્રેષ્ઠ છે. આપણે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ નંબર પર બેટિંગ કરીને બોલરો પર હાવી થતો જોયો છે. તે અમને મેચ જીતાડશે તેવી અમને આશા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક