• સોમવાર, 18 મે, 2026

વિકેટ લીધા પછી જય શ્રી રામની પર્ચી બતાવનાર સ્પિનર રઘુ શર્મા કોણ ?

નવી દિલ્હી, તા.પ: આઇપીએલના ગઇકાલના મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના 33 વર્ષીય સ્પિનર રઘુ શર્માની વિકેટ લીધા પછીને ઉજવણી ચર્ચાસ્પદ બની છે. તેણે લખનઉના નવોદિત બેટધર અક્ષત રઘુવંશીની વિકેટ લીધા પછી ખીસ્સામાંથી એક કાગળ કાઢયો હતો. જેના પર લખ્યું હતું, રાધે રાધે. ઘણા દર્દ ભર્યાં 1પ વર્ષ ગુરુદેવની કૃપાથી આજે સમાપ્ત થયા. મુંબઈ ઇન્ડિયન્સ (બ્લૂ અને ગોલ્ડ)નો આ તકે આભાર. જય શ્રી રામ. રઘુ શર્માની આ ઉજવણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ હતી. લોકો તેને સાચો રામભકત બતાવી રહ્યા હતા.

રઘુ શર્માએ અહીં સુધી પહોંચવા ઘણો સંઘર્ષ કર્યો છે. તેનો જન્મ પંજાબના જલંધરમાં થયો છે. તેણે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. 2017માં પંજાબ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી પોંડુચેરી તરફથી રમતો હતો. ત્યાં પણ સફળ ન થયો એટલે શ્રીલંકામાં અને ઈંગ્લેન્ડમાં કલબ ક્રિકેટ રમ્યો. જયાં આફ્રિકાના પૂર્વ સ્પિનર ઇમરાન તાહિર રઘુની પ્રતિભાથી પ્રભાવિત થયા અને તેને સફળ થવા માટે મદદ કરી. 2024-2પમાં વિજય હઝારે ટ્રોફીમાં ફરી પંજાબ ટીમમાં એન્ટ્રી કરી અને 8 મેચમાં 14 વિકેટ લીધી. 202પ આઇપીએલ સીઝનમાં રઘુ શર્મા રિપ્લેસ ખેલાડીના રૂપમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ થયો. ત્યારે મોકો ન મળ્યો. આ વખતે મોકો મળ્યો અને વિકેટ લીધા પછી જય શ્રી રામની પર્ચીથી ચર્ચિત બની ગયો. રઘુ શર્મા કહે છે કે તે શેન વોર્નના વીડિયો જોઇને સ્પિન બોલિંગ શીખી છે.

ઇ-પેપરના નવા શુલ્ક