• સોમવાર, 18 મે, 2026

રિફ્રેશ RCB વિનિંગ ટાર્ગેટ સાથે LSG વિરુદ્ધ ઉતરશે

એક સપ્તાહના વિશ્રામ બાદ RCB ફરી મેદાને : લખનઉમાં વિરાટ કોહલીનો જબરો ક્રેઝ

લખનઉ, તા. 6: વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને તેના પાછલા મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 4 વિકેટે આંચકારૂપ હાર મળી હતી. આ મેચમાં આરસીબી સીઝનમાં પહેલીવાર ઓલઆઉટ થઇ હતી. હવે લગભગ એક સપ્તાહના બ્રેક બાદ  આરસીબીના ખેલાડીઓ મેદાને પડશે. ગુરુવારે અહીંના ઇકાના સ્ટેડિયમ ખાતે તેની ટક્કર પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ થશે. આ ટીમે તેના પાછલા મેચમાં વાનખેડે સ્ટેડિયમ પર 220 ઉપરનો સ્કોર ખડકયો હતો. છતાં અંતે તો હાર જ નસીબ થઇ હતી. જો કે એલએસજી માટે સારી વાત એ રહી હતી કે તેનો કેરેબિયન પાવર હિટિર્સ નિકોલસ પૂરન ફોર્મમાં પરત ફર્યો હતો. તેણે 8 છક્કાથી 21 દડામાં 63 રનની આતશી ઈનિંગ રમી હતી. લખનઉમાં કોહલીની ઝલક માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આરસીબી માટે એક સપ્તાહનો વિશ્રામ જરૂરી હતો અને હવે અમારા ખેલાડી ફ્રેશ મૂડમાં છે તેવું કોચ એન્ડી ફલાવરનું માનવું છે. કોચને વિશ્વાસ છે કે તેની ટીમ ફરી વિજયક્રમ પર વાપસી કરી લેશે. જો કે તમેણે સ્પષ્ટ કર્યું કે હવે લખનઉ ટીમને હળવાશથી લઇ શકીએ નહીં. તે કયારે પણ બાઉન્સ બેક કરી શકે છે.

આરસીબીને આ મેચમાં ફિલ સોલ્ટની ખોટ પડશે. તે ઇજાને લીધે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. આથી વિરાટ કોહલી સાથે ફરી એકવાર ઓપનિંગમાં જેકબ બેથલ જોવા મળી શકે છે. દેવદત્ત પડીક્કલનું આક્રમક ફોર્મ લખનઉના બોલર્સ પર ભારે પડી શકે છે. જો કે આરસીબી કેપ્ટન પાટીદાર પાછલા કેટલાક મેચથી મોટી ઈનિંગ રમી શકયો નથી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવૂડની જોડી ટીમની એકસ ફેક્ટર સાબિત થઇ રહી છે. ઇકાના સ્ટેડિયમની પીચ પર આ બન્ને ઘાતક પુરવાર થઇ શકે છે.

બીજી તરફ લખનઉ સુપર જાયન્ટસ માટે વધુ એક સીઝન ખરાબ ચાલી રહી છે. ટીમનો કપ્તાન ઋષભ પંત આઉટ ઓફ ફોર્મ છે. તેના નબળા દેખાવની અસર પૂરી ટીમ પર પડી રહી છે. તેણે સીઝનમાં ફક્ત 204 રન કર્યા છે. મિચેલ માર્શ (2પ6), એડન માર્કરમ (224) પણ અપેક્ષા અનુસાર ખરા ઉતર્યાં નથી. પ્રતિભાશાળી આયુષ બદોનીનું બેટ આ સીઝનમાં શાંત છે. એલએસજીનું જમા પાસું પ્રિન્સ યાદવની બોલિંગ છે. તેણે દરેક મેચમાં પ્રભાવિત પ્રદર્શન કર્યું છે. તેના ખાતામાં 13 વિકેટ છે. જ્યારે મોહસિન ખાને 10 વિકેટ લીધી છે.

આરસીબી અને એલએસજી વચ્ચે સીઝનમાં આ બીજી ટક્કર થશે. પહેલા મેચમાં આરસીબીનો પ વિકેટે આસાન વિજય થયો હતો. ગુરુવારે રમાનાર મેચમાં પણ કોહલી એન્ડ કંપનીનું પલડું ભારે છે.

ઇ-પેપરના નવા શુલ્ક