-પ્લેઓફમાં સ્થાન નક્કી કરવા માટે જીત જરૂરી ઃ મુંબઈ સન્માનજનક વિદાય માટે આપશે ટક્કર
નવી દિલ્હી, તા. 23 ઃ રાજસ્થાન રોયલ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે રવિવારે થનારા લીગ તબક્કાના પોતાના અંતિમ મેચમાં જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પોતાના તરફથી કોઈ કસર છોડશે નહી. મેચ બપોરે 3.30 વાગ્યે
શરૂ થવાનો છે. મુંબઈ પહેલાથી જ પ્લેઓફથી રેસમાંથી બહાર છે અને જીત સાથે વિદાય લેવા પ્રતિબદ્ધ રહેશે. જો કે રાજસ્થાન માટે મુકાબલો મહત્વનો છે અને જીત મળતા પ્લેઓફમાં પહોંચનારી અંતિમ ટીમ બનશે.
રાજસ્થાન મુંબઈ સામે જીત મેળવશે તો 16 અંક થઈ જશે અને અન્ય બે દાવેદાર પંજાબ અને કોલકાતા બન્નેથી એક અંકની બઢત મેળવી લેશે. પણ જો ટીમ હારશે તો રાજસ્થાનને આશા રાખવી પડશે કે પંજાબ અને નાઈટ રાઈડર્સને પણ પોતાના અંતિમ મેચોમાં હારનો સામનો કરવો પડે.
મુંબઈ માટે સુર્યવંશી કરતા મોટું જોખમ યશસ્વી જયસ્વાલ છે. જેણે ગુવાહાટીમાં મુંબઈ સામે 32 બોલમાં 77 રન કર્યા હતા. આ ઉપરાંત રિયાન પરાગ અને ધ્રુવ જુરેલની નિરંતરતા પણ જરૂરી બનશે. બન્ને બેટિંગમાં મહત્વના સ્થાન ધરાવે છે પણ વચ્ચેની ઓવરમાં જરૂરી ગતિ આપી શકતા નથી. તેવામાં રાજસ્થાનને વધુ એક ખતરનાક બેટરની જરૂરીયાત છે. બીજી તરફ મુંબઈની ટીમમાં સામેલ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા અને તિલક વર્મા અંતિમ વખત શાનદાર પ્રદર્શન કરીને ટીમને સન્માન સાથે વિદાય આપવામાં મદદ કરી શકે છે