શ્રેણીના પહેલા વનડેમાં જીત સાથે શરૂઆત : શમી અને સિરાજની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા 188માં ઓલઆઉટ : મુશ્કેલીના સમયે રાહુલ અને જાડેજા વચ્ચે 108 રનની શાનદાર ભાગીદારી
મુંબઈ, તા. 17 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડેની શ્રેણીનો પહેલો મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં જીત સાથે ભારતીય ટીમે વનડે શ્રેણીનો આગાઝ કર્યો છે. બોલરોની સટીક બોલિંગથી ઓસ્ટ્રેલિયાને 35.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમે કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની લડાયક ઈનિંગની મદદથી પાંચ વિકેટે મેચમાં જીત મેળવી છે. મેચમાં એક સમયે 83 રનના કુલ સ્કોરે અડધી ભારતીય ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. જો કે રાહુલ અને જાડેજાની 108 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી ભારતને જીત મળી હતી.
મુકાબલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. કેપ્ટનનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો કારણ કે ભારતીય બોલરોએ કાંગારુ ટીમને 188મા જ સમેટી લીધી હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે જાડેજાને બે વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે સૌથી વધારે 81 રન કર્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયાના બાકીના બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યા નહોતા. એક સમયે ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર કરે તેવી સ્થિતિ હતી. જો કે ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને રોકી દીધું હતું. ઓસિ ટીમે અંતિમ પાંચ વિકેટ માત્ર 29 રનના ગાળામાં ગુમાવી દીધી હતી.
જીત માટે 189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. ઈશાન કિશન બાદ વિરાટ કોહલી અને પછી સૂર્યકુમાર યાદવ ઝડપથી આઉટ થયા હતા. શુભમન ગિલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો જ્યારે હાર્દિક પંડયા બાઉન્સરમાં આઉટ થયો હતો. આમ ટીમ ઈન્ડિયાએ માત્ર 39ના કુલ સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી જ્યારે 83ના કુલ સ્કોરે હાર્દિક પંડયાના રૂપમાં પાંચમી વિકેટ પડી હતી. બાદમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. બન્નેએ ધીરે ધીરે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. આ દરમિયાન કેએલ રાહુલે કારકિર્દીની 13મી અર્ધસદી કરી હતી. બીજી તરફ જાડેજાએ કેએલ રાહુલનો સાથ આપ્યો હતો અને 69 બોલનો સામનો કરીને 45 રનની શાનદાર નોટઆઉટ ઈનિંગ રમી હતી. રાહુલ અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 123 બોલમાં 108 રનની નોટઆઉટ ભાગીદારી થઈ હતી. જેના દમ ઉપર ભારતીય ટીમને શ્રેણીના પહેલા વનડેમાં પાંચ વિકેટે જીત મળી હતી.