મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી કાંગારુ ટીમને સટીક લાઈન લેન્થથી ધ્વસ્ત કરી
મુંબઈ, તા. 17 : મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી ટીમને કેવી રીતે ધ્વસ્ત કરી શકાય તેનું ઉદાહરણ મુંબઈ વનડેમાં ભારતીય બોલરોએ બતાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરનારી ઓસ્ટ્રેલિયાની ટીમે સારી શરૂઆત કરી હતી. એક સમયે 20 ઓવરમાં કંગારુ ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 129 રન કરી લીધા હતા. જો કે અંતિમ છ વિકેટ માત્ર 29 રનના ગાળામાં ગુમાવી દીધી હતી અને ટીમ 35.4 ઓવરમાં 188 રન કરીને ઓલઆઉટ થઈ હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર મિશેલ માર્શે સૌથી વધારે 81 રન કર્યા હતા.
13મી ઓવરના બીજા બોલે હાર્દિક પંડયાએ સ્ટીવ સ્મિથને આઉટ કર્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 77 રન હતો. આ વિકેટ બાદ એકાદ ભાગીદારીને બાદ કરવામાં આવે તો પૂરી રીતે ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. અંતિમ પાંચ બેટ્સમેન ડબલ ડિઝીટ સુધી પણ પહોંચી શક્યા નહોતા. શમી અને સિરાજે પોતાની સટીક લાઈન લેન્થથી ત્રણ ત્રણ શિકાર કર્યા હતા. તો રવીન્દ્ર જાડેજાને બે અને કુલદીપ યાદવ-હાર્દિક પંડયાને એક-એક સફળતા મળી હતી.