સ્ટોયનિશ અને ગ્રીનનો કેચ છોડયા બાદ બેક ટુ બેક બે શાનદાર કેચ પકડયા
મુંબઈ, તા. 17 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જારી ત્રણ મેચની વનડે શ્રેણીના પહેલા મેચમાં શુભમન ગિલે બે કેચ છોડીને મોટી ભૂલ કરી દીધી હતી. જો કે આ ભૂલને આગામી અમુક ઓવરમાં સુધારી લીધી હતી અને બે શાનદાર કેચ પકડીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સારી નહોતી રહી. જો કે સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શે બીજી વિકેટ માટે 72 રન જોડયા હતા અને ઈનિંગને સંભાળવાની કોશિશ કરી હતી. જો કે બાદમાં ટીમની સ્થિતિ કથળી હતી અને 188માં ઓલઆઉટ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ અંતિમ સાત વિકેટ માત્ર 59 રનની અંદર જ ગુમાવી દીધી હતી. જો કે ઓસ્ટ્રેલિયાનો સ્કોર થોડો અલગ થવાની સંભાવના હતી કારણ કે ભારતના શુભમન ગિલે 27મી અને 30મી ઓવરમાં બે કેચ છોડયા હતા. 27મી ઓવરમાં કુલદીપ યાદવના પહેલા જ બોલે ગિલે કેમરુન ગ્રીનનો કેચ છોડયો હતો. ત્યારે ગ્રીન સાત રનના અંગત સ્કોરે હતો. જો કે ગ્રીન લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો. બાદમાં 30મી ઓવરમાં સ્ટોયનિશનો કેચ ગિલે છોડયો હતો. જે ભારત ઉપર ભારે પડી શકે તેમ હતું. ગિલના નસીબ સારા હતા કે 32મી ઓવરમાં સ્લીપમાં જ તેની પાસે સ્ટોયનિશનો કેચ આવ્યો હતો અને તેણે આ વખતે ભૂલ કર્યા વિના લપકી લીધો હતો. બાદમાં 34મી ઓવરમાં ગિલે સ્લીપમાં સીન એબોટનો પણ કેચ પકડયો હતો.