ઓસ્ટ્રેલિયા સામે પહેલા વનડે મુકાબલામાં કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં કેએલ રાહુલે નોટઆઉટ 75 રનની ઈનિંગ રમી હતી અને ભારતને પાંચ વિકેટે જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કેએલ રાહુલે 91 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 75 રન કર્યા હતા. આ સાથે કેએલ રાહુલે આલોચકોને જવાબ પણ આપી દીધો છે.
કેએલ રાહુલની ઈનિંગથી ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ પણ પ્રભાવિત થયા છે. પહેલા વનડે બાદ પ્રસાદે રાહુલની ખુબ પ્રશંસા કરી હતી. ટ્વિટર ઉપર તેમણે લખ્યું હતું કે, કેએલ રાહુલની શાનદાર ઈનિંગ અને દબાણમાં ઉત્કૃષ્ટ સંયમ જોવા મળ્યું છે. રવીન્દ્ર જાડેજાના જોરદાર સપોર્ટ સાથે ભારતને એક સારી જીત મળી છે. કેએ રાહુલને લઈને વેંકટેશ પ્રસાદ દ્વારા કરવામાં આવેલું ટ્વિટ વાયરલ થયું હતું. આ અગાઉ વેંકટેશ પ્રસાદે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનના કારણે રાહુલની ખુબ આલોચના કરી હતી અને રાહુલને ટીમમાંથી બહાર કરવાની પણ વાત કરી ચૂક્યા છે.