• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

ઠગનાં Z+ ઠાઠ!

અમદાવાદનાં ઠગે કાશ્મીરમાં વડાપ્રધાન કાર્યાલયનાં ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપી આખા પ્રશાસનને છેતરી લીધું

ગત વર્ષે ઓક્ટોબરથી આ ફેબ્રુઆરી સુધી VVIP સવલતોમાં તાગડધિન્ના કર્યા પછી ઓળખાયો અને પકડાયો: ગુજરાત ATS હવે તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપશે : અમદાવાદમાં ગઠિયા કિરણ પટેલના બંગલો ઉપર દરોડો

નવી દિલ્હી, તા.17: ગુજરાતનાં એક મહાઠગે વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)નાં ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા સહિતની સુવિધાઓ મેળવીને છાકો પાડી દીધો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં અમદાવાદનાં આ ભેજાબાજ ઠગ કિરણ પટેલ ઉર્ફે બંસીએ પ્રશાસન સમક્ષ પીએમઓનાં સ્વાંગમાં રોફ જમાવીને બુલેટપ્રુફ વાહનોમાં યાત્રા અને ફાઈવ સ્ટાર હોટેલોની સવલતો પણ ભોગવી હતી. તેની આ ઠગાઈનો ભાંડો 3 માર્ચે ફૂટયો હતો પણ આજ સુધી તેની ધરપકડ જાહેર કરવામાં આવી નહોતી. જમ્મુ-કાશ્મીરમાં આજે તેનાં રિમાન્ડ પૂરા થયા છે અને ગુજરાત એટીએસની ટીમ હવે તેને પરત લાવવા હવાઈ માર્ગે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસે તેના ઘોડાસર ખાતેના પ્રેસ્ટિઝ બંગ્લો પર પણ પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી દીધી છે.  કિરણ પટેલની પત્નીએ પોતાના પતિને કોઈ રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફસાવી દેવાયાનો આક્ષેપ અને બચાવ કર્યો છે.

અમદાવાદનો આ બ્લફમાસ્ટર 3 માર્ચે ધરપકડ પછીથી રિમાન્ડમાં હતો અને ગઈકાલે તેનાં રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનાં આ છેતરપિંડી કાંડને જાહેર કરવામાં આવ્યું છે. આ ચોંકાવનારા કિસ્સાની આશ્ચર્યજનક વાત તો એ છે કે તેણે ગત વર્ષે ઓક્ટોબરમાં શરૂ કરેલી આ જાલસાજી આ વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલી હતી. આ દરમિયાન તેણે જમ્મુ-કાશ્મીરમાં વીવીઆઈપી સવલતોની મોજ કરવાં સાથે ઉચ્ચ અધિકારીઓની બેઠકો પણ કરી લીધી હતી.

તે પકડાયો તેની પહેલાનાં બે અઠવાડિયામાં જ કાશ્મીરની બે વખત મુલાકાત લેવા દરમિયાન તે શંકાનાં ઘેરામાં આવી ગયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એક આઈએએસ અધિકારીએ ગત માસે તેની આ ભેદી કાશ્મીર યાત્રાઓ વિશે પોલીસને જાણ કરી હતી. ગુપ્તચર એજન્સીઓ તરફથી પણ પોલીસને આવા એક લેભાગુ ઠગ વિશે સતર્ક કરવામાં આવી હતી. જેમાં કિરણ પટેલની કરમકુંડળી ફંફોસ્યા બાદ પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી અને તેને શ્રીનગરની જ એક હોટેલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.

ગુજરાતમાં પણ કળા કરેલી

2021માં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પીએમઓની સલાહકાર સમિતિના સભ્ય તરીકેની ઓળખાણ આપીને વીવીઆઈપી સુવિધા લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં આવા વીવીઆઈપી મહેમાનો આવવાનાં હોય તો અગાઉથી જાણ કરી દેવામાં આવતી હોવાથી તેની કારી ફાવી નહોતી. આવી જ રીતે ગુજરાતમાં પાંચ અલગ અલગ જગ્યાએ વીવીઆઈપીની સેવાઓ લઈ ચૂક્યો છે. 

ટ્વિટર ઉપર વેરિફાઈડ એકાઉન્ટ

ટ્વિટર ઉપર તે એક વેરિફાઈડ યુઝર છે અને તેનાં હજારો ફોલોઅર્સમાં ભાજપના અનેક નેતાઓ અને પોલીસ અધિકારીઓ પણ છે. આ મહાઠગ  વિદેશમાં પીએચડીની ડિગ્રી મેળવ્યાનું કહેવા ઉપરાંત આઈઆઈએમ અમદાવાદથી એમબીએ કર્યાનું જણાવતો હતો. તેનાં ટ્વિટર ઉપર એવા અનેક વીડિયો છે જેમાં તે અર્ધસૈન્ય દળ અને પોલીસ સાથે ફરતો દેખાય છે.

કોંગ્રેસે કર્યા પ્રહાર, કેન્દ્રની સુરક્ષા એજેન્સીઓ શું કરતી હતી?

દરમિયાન નકલી પીએમઓ અધિકારીની ઓળખ આપનારા કિરણ પટેલને લઇને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, કેન્દ્રની સુરક્ષામાં સૌથી મોટી ચૂક સામે આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં ઝેડ પ્લસ સુરક્ષા લઇને કિરણ પટેલ ફર્યો ત્યારે અધિકારીઓ શું કરતા હતા. કેન્દ્રની સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા કેમ તપાસ કરવામાં ન આવી. તેમજ રાજ્યમાં નકલી પીએસઆઇ પણ કરાઇમાં ટ્રાનિંગ લે છે. આ પ્રકારના બનાવો વારંવાર સામે આવે છે પણ ભાજપ સરકાર કે અધિકારીઓ અજાણ હોય છે.

---------------

કાશ્મીરમાં ‘સ્વર્ગ’ માણ્યું!

કિરણ પટેલ ઓક્ટોબર 2022થી જ કાશ્મીરમાં તંબુ તાણીને બેઠો હતો અને કાશ્મીરમાં ચાર મહિનાથી સરકારી ખર્ચે તાગડધિન્ના કરતો હતો. શ્રીનગર પોલીસ દ્વારા હાલ તો તેની સામે કલમ 419,420, 468 અને 471 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. ચાર મહિનાથી કાશ્મીરમાં સરકારી મહેમાનગતિ માણી રહેલા આ ઠગે સંવેદનશીલ ઉરીની બોર્ડર પોસ્ટથી લઈને એલઓસી ઉપરાંત આર્મીના ઓપરેશનલ એરિયામાં મુલાકાત લીધી હતી. માત્ર એટલું જ નહીં પીએમ ઓફિસના હોદ્દાની રૂએ તેણે શ્રીનગરમાં સરકારી માટિંગો પણ કરી હોવાનું બહાર આવ્યું છે.

-----------------------

નેતા, પોલીસ અને પત્રકારો સાથે સંબંધો કેળવી રોફ જમાવતો’તો

નવી દિલ્હી, તા.17:  કિરણ પટેલ ઉર્ફે બંસીના મોબાઈલની કોલ ડિટેલ કઢાવવામાં આવે તો અનેક આઈપીએસ અધિકારીઓ, રાજકારણીઓ અને કેટલાક પત્રકારોના રેગ્યુલર સંપર્કમાં હોવાની વિગતો બહાર આવે તેમ છે. કિરણ પટેલ મોંઘીદાટ વૈભવી કાર લઈને ફરતો હતો અને તેણે પત્રકારો સાથે મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેનું નામ મોદી ફાઈલ રાખવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠગ કિરણને ગુજરાતમાં લાવ્યા બાદ તેની સામે દેશદ્રોહ જેવી કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કિરણ પટેલ અમદાવાદનાં ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ભાડાના મકાનમાં રહે છે. તેની પત્ની વ્યવસાયે ડોક્ટર છે. આ ઠગે રાજ્યના 10થી15 આઈપીએસ અધિકારીઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. જેનાં આધારે તેણે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે.  કેટલાય પોલીસ અધિકારીઓને ડબામાં ઉતારી કરોડો રૂપિયાની છેતરાપિંડી કરી છે પરંતુ આ પોલીસ અધિકારીઓ બોલાવા તૈયાર નથી.

ભાજપના અનેક પૂર્વ મંત્રીઓ તેમજ નેતાઓ સાથે પણ તેના ખૂબજ નિકટના સંબંધો હતાં અને ઉઠકબેઠક હતી. તેમની સાથે કામ કરતો અને કેટલાય લોકોની જમીનો હડપ કર્યાના આક્ષેપો થયાં છે. અમદાવાદ શહેરમાં આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા એક અધિકારી જે હાલ ભાજપના એમએલએ છે તેમનું પણ આ મિસ્ટર નટવરલાલે અઢી કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. તેમજ વડોદરામાં ત્યાંના ધારાસભ્ય સાથે મળીને મોટા પાયે ગરબાનું આયોજન તેણે કર્યું હતું. આ ગરબામાં કોઈ મોટા સિંગરને બોલાવવાની વાત કરી હતી પરંતુ સિંગર આવ્યો નહોતો. તેના કારણે ખૂબજ ઝઘડાઓ થયા હતાં અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતાં ડેકોરેશન વાળાના બિલ પણ ચૂકવવામાં આવ્યા નહોતા. આ અંગેની પોલીસ ફરિયાદ વડોદરામાં નોંધાઈ હતી. 

ગુજરાતમાં તે સચિવાલયમાં આંટાફેરા કરતો હતો. એક પૂર્વ મંત્રીના પીએ તરીકેની ઓળખ આપીને તે કામો કરાવી લેતો હતો. અગાઉ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ વખતે પણ ઓફિસમાં ઉચ્ચ અધિકારી હોવાનું ઓળખ આપી હતી અને તે વખતે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

ઈસનપુરથી સિંધુભવન રોડ પર બંગલો વાયા ઠગાઈ

કિરણ પટેલ અગાઉ ઇસનપુર વિસ્તારમાં રહેતો હતો અને એક વર્ષ અમદાવાદનાં પોશ  એસજી હાઇ-વે પર તેણે બંગલો લીધો હતો. આ બંગલાનું નામ તેણે ‘જગદીશપુરમ્’ આપ્યું હતું. બીએમડબલ્યૂ કારમાં ફરતો કિરણ હંમેશાં હાઈપ્રોફાઈલ લાઈફ જીવતો અને પોતે ખૂબ પહોંચેલો હોવાનો પણ દાવો કરતો હતો. થોડા સમય પહેલાં તેણે ફેમિલી ટ્રીપ માટે સ્પાઇસ જેટનું નાનું પ્રાઇવેટ એરક્રાફ્ટ પણ બુક કરાવ્યું હતું. પોતે સંઘ અને ભાજપનો સમર્થક હોવાનું પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે લોકોને કહેતો હતો.