વિદેશમાં રાહુલની ટિપ્પણીઓ મુદ્દે ભારે હોબાળો: બન્ને ગૃહો સોમવાર સુધી સ્થગિત : લોકસભાનાં પ્રસારણમાં 20 મિનિટ સુધી અવાજ બંધ
રાહુલની માફીની માગ પર ભાજપ અડગ : મોદી સામે કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ
નવી દિલ્હી, તા. 17: લંડનમાં રાહુલ ગાંધીએ ભારતીય લોકતંત્ર વિશે કરેલી ટિપ્પણીઓ અને હિંડનબર્ગનાં મુદ્દે સંસદનાં બજેટસત્રનાં બીજા તબક્કામાં આજે પાંચમો દિવસ પણ શાસક-વિપક્ષનાં હંગામાનાં કારણે ધોવાઈ ગયો હતો. આ સંસદનાં આખા સપ્તાહનો સમય બરબાદ થઈ ગયો છે. આ પાંચ દિવસ દરમિયાન લોકસભા માત્ર 66 મિનિટ અને રાજ્યસભા 1પ9 મિનિટ જેટલો સમય જ ચાલી શકી હતી.
ભાજપે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી દીધી છે કે, જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી સંસદમાં બોલવા દેવામાં આવશે નહીં. રાહુલ માફી ન માગે તો લોકસભામાંથી તેમને સસ્પેન્ડ કરવાં માટે ભાજપે સ્પીકર ઓમ બિરલાનો સંપર્ક પણ સાધ્યો હતો. લંડનમાં રાહુલ ગાંધીનાં નિવેદનો અને વડા પ્રધાન મોદીને અદાણી સાથે સાંકળતી તેમની ટિપ્પણીઓ સંદર્ભે ભાજપના નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે અને લોકસભામાં તેમની સદસ્યતા રદ કરવાની માગણી કરી છે. એના જવાબમાં કૉંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિવિલેજ મોશન ફાઈલ ર્ક્યો. રાજ્યસભામાં ગયા મહિને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર વ્યક્ત કરતી વખતે વડા પ્રધાને ગાંધી પરિવારને નિશાન બનાવ્યો હોવાનો આક્ષેપ તેમણે ર્ક્યો. કે.સી.વેણુગોપાલ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં મોદીએ નહેરુ પરિવાર અને ખાસ કરીને સોનિયા અને રાહુલ ગાંધીનું અપમાન કર્યું હતું.
શોરબકોર વચ્ચે આજે લોકસભામાં અજબગજબ નજારો સર્જાયો હતો. લોકસભાનાં જીવંત પ્રસારણમાં શરૂઆતની 20 મિનિટ સુધી અવાજ જ બંધ રહ્યો હતો. જેને પગલે કોંગ્રેસે લોકસભા સ્પીકર ઓમ બિરલા ઉપર માઈક બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકાર વિરોધી અવાજ ચૂપ કરવા માટે સંસદનો ઓડિયો મ્યૂટ કરી નાખવામાં આવ્યો હતો.
જ્યારે પ્રસારણમાં અવાજ ચાલુ થયો ત્યારે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત રાખી દેવામાં આવી હતી. રાજ્યસભામાં પણ આવો જ હોબાળો ચાલ્યો હતો. જો કે ત્યાં વિપક્ષો વધુ આક્રમક દેખાયા હતાં અને કહ્યું હતું કે, જો સંસદમાં બોલવા નહીં દેવાય તો રાહુલ બહાર બોલશે.
લોકસભાની કાર્યવાહીનો ધ્વનિ આશરે 11.20 કલાકે પૂર્વવત થયો હતો અને ત્યારે છેક ગૃહમાં હંગામાની સ્થિતિનો અંદાજ આવ્યો હતો. શાસક-વિપક્ષની નારાબાજી વચ્ચે સ્પીકર ઓમ બિરલા જો શિસ્ત જળવાય તો બધાને બોલવાનો મોકો મળશે તેવી અપીલો કરતાં સંભળાયા હતાં. જો કે ગૃહમાં દેકારો શાંત નહીં થતાં કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે વિભિન્ન મુદ્દે ચર્ચાની નોટિસો ખારિજ કરી નાખી હતી અને તે દરમિયાન વિપક્ષે ભારે નારાબાજી કરી હતી. જેને પગલે ત્યાં પણ ગૃહ સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.