રિઝર્વ બેન્કનાં ગવર્નરની ભારતીય બેન્કોને તાકીદ, સંપત્તિ અને કરજ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી
નવી દિલ્હી, તા.17: અમેરિકામાં બેન્કિંગ સંકટને પગલે આખી દુનિયાની બેન્કિંગ વ્યવસ્થા ચિંતામાં મૂકાઈ ગઈ છે. જેમાં હવે ભારતીય રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસે ભારતની બેન્કોને સંપત્તિ અને દેવાદારી વચ્ચે સંતુલન જાળવવા અને કોઈપણ પ્રકારની અસમાનતા ન સર્જાય તેની તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, સંપત્તિ અને કરજ વચ્ચે કોઈપણ પ્રકારની ગડબડ નાણાકીય સ્થિરતા સામે નુકસાનકારક છે.
કોચ્ચિમાં ફેડરલ બેન્કનાં સંસ્થાપક કે.પી.હોર્મિસનાં સ્મારક વ્યાખ્યાનમાં ગવર્નરે આશ્વાસન આપ્યું હતું કે, ભારતનું ઘરેલું નાણાકીય ક્ષેત્ર સ્થિર છે અને ફુગાવાનો સૌથી ખરાબ સમય વીતી ગયો છે. વિનિમય દરોમાં ઉતાર-ચડાવ વચ્ચે વિશેષ રૂપે અમેરિકી ડોલરનાં ભાવમાં અત્યાધિક વધારો અને દેશોની વિદેશી ઋણ ચૂકવવાની ક્ષમતા પર તેનાં પ્રભાવ છતાં પણ આપણે બહેતર સંજોગોમાં છીએ. આપણે ડરવાની કોઈ જરૂર નથી કારણ આપણું વિદેશી ઋણ સંચાલન નિયંત્રણમાં છે અને ગ્રીનબેકની વૃદ્ધિ આપણને કોઈ સમસ્યારૂપ નથી.
દાસે અમેરિકી બેન્કોનાં નામ લીધા વિના કહ્યું હતું કે, તેમાંથી એક બેન્ક પાસે પોતાનાં કારોબાર કરતાં વધુ જમા રાશિ હતી. અમેરિકી બેન્કિંગ સંકટ પણ નાણા વ્યવસ્થા માટે ખાનગી ક્રિપ્ટોકરન્સીનાં જોખમોને પણ સ્પષ્ટ રૂપે દેખાડી જાય છે.