• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

ગોરાઓના કાળા કામ: ભારતનાં કોહિનૂર હીરાને વિજય પ્રતીક તરીકે પ્રદર્શિત કરશે !

મે માસમાં યોજાનાર પ્રદર્શનમાં ભારતની મતાને પોતાની દેખાડી ગર્વ લેવાની ગુસ્તાખી કરશે બ્રિટન

લંડન, તા. 17: ભારતનાં જગપ્રસિદ્ધ કોહિનૂર હીરા માટે બ્રિટને હવે ઉતરતી કક્ષાની ચાલબાજી કરી છે. ભારત ઉપર અંગ્રેજોનાં રાજ વખતનાં આ બેશકિંમતી અને દુર્લભ રત્ન કોહિનૂરને મે માસમાં ટાવર ઓફ લંડનમાં આયોજિત એક જાહેર પ્રદર્શનમાં વિજયનાં પ્રતીક તરીકે પ્રદર્શિત કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ઘણાં વર્ષોથી આ હીરા ઉપર પોતાનો દાવો કરતું આવ્યું છે. બ્રિટનનાં મહેલોનું સંચાલન કરતી સંસ્થા હિસ્ટોરિક રોયલ પેલેસીસ(એચઆરપી)એ આ સપ્તાહમાં જ કહ્યું હતું કે, મે માસમાં યોજાનાર પ્રદર્શનમાં કોહિનૂરનો ઈતિહાસ પણ રજૂ કરવામાં આવશે.

દિવંગત મહારાણી એલિઝાબેગથ દ્વિતીયનાં તાજમાં આ હીરો જડાયેલો હતો અને તેને પહેરવાનો નવી મહારાણી કેમિલાએ ઈન્કાર કરી દીધો હતો. આ તાજ હવે ટાવર ઓફ લંડનમાં રાખવામાં આવેલો છે. આ વર્ષે છઠ્ઠી મેનાં રોજ મહારાજા ચાર્લ્સ દ્વિતીય અને તેમનાં પત્ની કેમિલાની તાજપોશી છે. જેમાં કેમિલા આ તાજ માથે ધારણ કરવાના નથી. બ્રિટિશ મહારાણી તેને ધારણ કરે તેની સામે ભારતનાં લોકો દ્વારા બ્રિટનમાં પ્રચંડ વિરોધ કરવામાં આવેલો. જેને પગલે કેમિલાએ તેને પહેરવાનો ઈનકાર કરી દીધો.

ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ પ્રકાશ પર્વત થાય છે. આ હીરો મહારાજા રણજીતસિંહનાં ખજાનામાં હતો પણ બ્રિટિશ મહારાણી વિક્ટોરિયા ભારતનાં મહારાણી બન્યા તેનાં થોડા વર્ષ પહેલા તે તેમના કબજામાં જતો રહ્યો હતો. આ હીરો આંધ્રપ્રદેશમાં ગોલકુંડાની ખાણમાંથી મળેલો. એ વખતે તેનું વજન 793 કેરેટ જેટલું હતું. બ્રિટનનો દાવો છે કે, પંજાબનાં રાજા દલીપસિંહે એક સંધિ અંતર્ગત આ હીરો બ્રિટનનાં રજવાડાને આપી દીધો હતો. જો કે હકીકત એવી છે કે એ વખતે દલીપસિંહની ઉંમર ફક્ત 10 વર્ષની જ હતી. એટલે કે બ્રિટને તેને પડાવી લીધો હોવાની સંભાવના વધુ છે.