• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

સૌરાષ્ટ્રમાં માવઠાનો માર: ધુમ્મસની ચાદર

ઘઉં, ચણા, રાયડો, તલ, બાજરી, જુવાર, મેથી અને કેરી સહિતના પાકને ભારે નુકસાન: તાત્કાલીક સર્વ કરી સહાય ચૂકવવા જગતાતની માગ

વંથલી પંથકમાં ભારે પવન સાથે કરાનો વરસાદ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.17: રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને અમેરીલ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે માવઠું વરસતા ભર ઉનાળે નદીમાં પૂર આવ્યું હતું. આજે પણ રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં છૂટા છવાયા છાંટા પડયા હતા તેમજ વડોદરા, અરવલ્લી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગણા વિસ્તારમાં સુર્યનારાયણના દર્શન પણ થયા હતા. માવઠાના માર વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ હતી. જેના કારણે રોડ પરની વીઝિબીલીટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો તેમજ ગાઢ ધુમ્મસના કારણે મોટાભાગના વિસ્તારમાં લોકોને હિલ સ્ટેશનનો અનુભવ થયો હતો. કમોસમી વરસાદ અને હવે ધુમ્મસ છવાતા ઘઉં, ચણા, રાયડો, તલ, બાજરી, જુવાર, મેથી અને કેરી સહિતના પાકને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

જૂનાગઢ: આજે બપોર બાદ સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ વંથલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો હતો. અડધો ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસતા ખેતી તથા બાગાયત પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ભારે પવન અને કરાના કારણે ચીકુ અને કેરીના પાકને નુકશાન થયું છે.

ભાવનગર: શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારે શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો પણ વાહનચાલકો થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા. ફરજીયાતપણે લાઈટો ચાલુ રાખીને વાહન ધીમે ધીમે ચલાવવું પડ્યું હતું.

મોડાસા: છેલ્લા બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાયા પછી મોડાસા તાલુકાના ટીંટોઈ, દધાલિયા, ઉમેદપુર સહિત પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કરાનો વરસાદ થતા ખેતરમાં ઉભા તૈયાર પાકનો સોથ વળી જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. ઉમેદપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ગામ સહીત ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકમાં તબાહી સર્જી છે ઉમેદપુર ગામ નજીકથી પસાર થતી નદી બે કાંઠે વહેતા ગામલોકો સંપર્ક વિહોણા બન્યા હતા. ભારે વરસાદના પગલે વીજળી ડૂલ થઇ હતી.

વડોદરા: આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં અડધો ઇંચ કમોસમી વરસાદ પડયો હતો તેમજ અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા. ભારે પવનના કારણે શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયાના બનાવ પણ બન્યા હતા.

વઢવાણ: લીંબડીમાં ગઇકાલે મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ  કરા અને પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. કરા પડવાના કારણે ચારે બાજુ સફેદ ચાદર છવાઈ જવા પામી હતી ત્યારે હાઇવે ઉપર સતત એક કલાક સુધી વાહનો પણ થંભી ગયા હતા.

તળાજા: શહેર અને આસપાસના દસેક કિમી દૂર ગામડાઓમાં વહેલી સવારથી ધુમ્મસનું વાતવરણ છવાયું હતું. જેને લઇ વાહન વ્યવહારની ગતિને અસર થઈ હતી. ધુમ્મસનું સામ્રાજય એવું ફેલાયુ કે સો મીટર દૂરનું પણ દેખાતું ન હતું. તાલધ્વજ ડુંગર ફરતે પણ ધુમ્મસ છવાતાં ડુંગર દેખતો બંધ થઈ ગયો હતો.

બોટાદ:  જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોને પાકમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે પાટી ગામના ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક વાવાઝોડા અને વરસાદને પગલે આડો પડી જતા ભારે નુકસાની થવા પામી છે. જેને લઇ ખેડૂત દ્વારા વળતરની માંગ કરાઇ છે.