• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

સોનાના ઝવેરાત પર 1 એપ્રિલથી હોલમાર્કને બદલે HUID ફરજિયાત

જૂના હોલમાર્કવાળા દાગીના પર છ આંકડાનો નંબર છાપવો પડશે, ઝવેરીઓનું ખર્ચ વધશે: બીઆઇએસની વેબસાઇટ પર સર્વરની સમસ્યા

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ,તા.17:  સોનાના વેપાર ઉપર અનવના નિયંત્રણો અને નીતિ નિયમો છાસવારે આવતા રહે છે. અગાઉ હોલમાર્ક ફરજિયાત કરાયા પછી હવે 1 એપ્રિલથી હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ફરજિયાત બની રહ્યો છે. એનાથી ભારતીય ઝવેરાત વૈશ્વિક ધારાધોરણો અનુસારના બનશે એવું સરકારે જાહેર કર્યું છે. જોકે અલ્પ સમયમાં અમલવારી થવાને લીધે અસંખ્ય ઝવેરીઓને હોલમાર્કવાળા જૂના સ્ટોક ખાલી થઇ શક્યા નથી. હવે ફરી એચયુઆઇડી નંબર લગાવીને તૈયાર કરવા પડશે.

હવે સોનાના કોઇપણ ઝવેરાત છ આંકડાના એચયુઆઇડી નંબર વિના વેંચી નહી શકાય. અત્યાર સુધી બીઆઇએસ લોગો, શુધ્ધતા, ઝવેરીનો લોગો અને હોલમાર્ક સેન્ટરનો માર્ક લાગતો પણ હવે તેના સ્થાને એચયુઆઇડી એક જ નંબર લાગશે. આમ એક એક દાગીનાની નોંધ ઝવેરી અને બીઆઇએસ વિભાગ પાસે રહેશે. એ જોતા મોટે ભાગે હવે બિલ વિનાનો વેપાર મોટે ભાગે બંધ થઇ જાય એમ છે.

રાજકોટ બુલિયન ડિલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા કહે છે કે, અગાઉ હોલમાર્ક હતો તે સ્ટોક ક્લિયર કરવા માટે એક વર્ષની મુદ્દત આપી હતી. મુદ્દત 1 એપ્રિલે પૂરી થાય છે. હવે જૂના હોલમાર્કવાળા દાગીના વેચી નહીં શકાય. હવે જૂના માર્કને એચયુઆઇડી બનાવવાનું ખર્ચ થશે. એક દાગીના દીઠ રૂ.45ની ફી છે.

જોકે હવે વહિવટી ખર્ચા વધશે. બીઆઇએસના પોર્ટલ પર ઓનલાઇન એચયુઆઇડી મેળવવો પડે છે. કોડથતૈયાર થાય એ હોલમાર્ક સેન્ટરે દાગીના પર લગાવવો પડે છે. વારંવાર બીઆઇએસના પોર્ટલ ચાલતા નથી. સર્વર ઠપ્પ હોય છે એટલે ઘણી વખત કામકાજમાં અડચણો આવે છે. સમય વેડફાય છે  એ જોતા સરકારે બીઆઇએસને અતિ  આધુનિક બનાવીને પોર્ટલમાં મોટાંપાયે ક્ષમતા વધારવી પડશે.

એચયુઆઇડી ફરજિયાત થતા હવે 14, 18 અને 22 કેરેટના દાગીના જ વેંચી શકાશે. જોકે નંબર કે શુધ્ધતામાં ચૂક આવશે તો ઝવેરીને પાંચ ગણી પેનલ્ટી ફટકારવામાં આવશે. અત્યારે દેશમાં 940 જેટલા એસેયીંગ સેન્ટરો છે. એમાંખી 256 જેટલા સેન્ટરો જિલ્લા સ્તરે છે.

સોનાના વૈશ્વિક ભાવમાં જોરદાર તેજી આવવાથી ભાવ અકલ્પનીય સ્તરે પહોંચી ગયા છે. ભારતમાં આયાત જકાત અને જીએસટી ઉમેરતા સોનું 18 ટકા મોંઘું પડે છે. વળી હવે બિલ વિનાનો વેપાર મુશ્કેલ બનતા લોકો થોડી ઘણી બચત બિલ વિના ખરીદીને કરી શકતા તે બંધ થઇ જવાનું છે. સોનાનો ભાવ અત્યારે રૂ. 58250ની લગોલગ છે. એ દોઢેક મહિના અગાઉ રૂ. 60 હજારને સ્પર્શી આવ્યો હતો.