• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

વૈશ્વિક બાંકિંગ કટોકટીથી બિટકોઇન, સોનામાં તેજી : શેરબજારો ડાઉન

(ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ,તા.18: 2008માં અમેરિકામાં સબપ્રાઇમ કટોકટીની યાદ તાજી કરાવતી ઘટનામાં સિલિકોન વેલી બેંકના ઉઠમણા અને તેની અસરથી અનેક નાની બેંકો તકલીફમાં મૂકાઇ જશે એવો ફફડાટ વિશ્વભરમાં ચોમેર ફેલાઇ ગયો છે. બેંકો પર ભરોસો ઉઠી જતા વૈશ્વિક રોકાણકારો ડિજીટલ કરન્સી ગણાતા બિટકોઇન અને સોના જેવી ધાતુમાં સલામતીનું છત્ર શોધવા લાગતા દસ દિવસમાં જોરદાર તેજી થઇ ગઇ છે. બીજી તરફ સૌથી જોખમી એવા શેરબજારોમાં કડાકા સર્જાયા છે. 

પાછલા દસ દિવસથી અમેરિકાના બાંકિંગ ક્ષેત્રથી નબળા સમાચાર આવી રહ્યા છે. હવે ક્રેડિટ સૂઇસની તકલીફે સૌને ડરાવ્યા છે. યુરોપીયન યુનિયનમાં પણ નાણા કટોકટી સર્જાવાનો ભય છે. એ કારણે જોખમી ગણાતી ઇક્વિટી માર્કેટમાં કડાકા સર્જાયા છે. ભારતીય ઇક્વિટી માર્કેટનું બેરોમીટર ગણાતો સેન્સેક્સ 4 ટકા કરતા વધારે ગબડીને શુક્રવારે 57,989ના મથાળે બંધ થયો હતો. દસ દિવસ પહેલા 60 હજારના મથાળા નજીક હતો. રોકાણકારોએ કરોડો ખોયાં છે.

જોકે ખરાબ સમાચારોથી સોના-ચાંદી અને બિટકોઇન ફાયદામાં રહ્યા છે. સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં 2000 ડોલર નજીક પહોંચી જતા ઘરઆંગણે દસ દિવસ પૂર્વે 24 કેરેટનો ભાવ રૂ. 56400 હતો તે  રૂ. 58950 શનિવારે બોલાઇ ગયો હતો. સોનું ચાર ટકા કરતા વધારે ઉછળ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ 7 ટકા કરતા વધારે તેજીમાં રૂ.62400 પ્રતિ કિલોથી વધીને રૂ. 67000 થઇ ચૂકી છે.

બિટકોઇનમાં સડસડાટ તેજી આવી છે. ભારતમાં બિટકોઇનનો વેપાર સત્તાવાર નથી પણ ગર્ભિત સોદામાં રૂ. 16.57 લાખ વાળો બિટકોઇન રૂ. 22.77 લાખનો થયો હોવાની ચર્ચા હતી. વિશ્વ બજારમાં બિટકોઇનનો ભાવ 15,487 ડોલરના તળિયે ગયો હતો તે ગઇકાલે 26,000 ડોલર સુધી ઉંચકાઇ ગયો હતો. 25 હજાર ડોલરનું મથાળું વટાવતા નવી તેજીનો આરંભ થઇ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, સોનું અને ડોલર જેવી મજબૂત એસેટ કરતા પણ રોકાણકારોને અત્યારે બિટકોઇનમાં વિશ્વાસ છે. બેંકિગ વ્યવસ્થા આડે તે વિશ્વસનીયતાના સવાલો ઉઠાવે છે.

સોનાની બજાર અંગે વિષ્લેષકો કહે છે, વિશ્વ બજારમાં નવા સપ્તાહે સોનું 2000 ડોલરનું મથાળું એક તબક્કે વટાવી જશે એમ લાગે છે. એ પછી ફેડની બેઠકને આધારે વધઘટ થશે. જોકે આવનારો સમય કાતિલ અફડાતફડીનો રહેશે અને 100 ડોલરની મૂવમેન્ટ જોવા મળી શકે છે. ઘરેલુ બજારમાં હાજર સોનું રૂ. 60 હજાર પણ થઇ જઇ શકે છે.

બેંકિગ ક્ષેત્રમાં કટોકટીનો સમય, ડોલરમાં ભારે કરેક્શન, મધ્યસ્થ બેંકોની વ્યાજર વધારતા જવાની નીતિથી રિસેશનનું સંકટ આવવાનો ભય અને ઉંચો ફુગાવો કિંમતી ધાતુઓ, બિટકોઇન અને શેરબજારોમાં અફડાતફડીના મુખ્ય કારણો ગણાવાય છે. નાનો વર્ગ એમાં ખુવાર થઇ જાય એમ છે.