• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

ન્યાયતંત્ર ઉપર સરકારનું કોઈ દબાણ નથી : CJI

CJI ચંદ્રચૂડે કહ્યું, ન્યાયતંત્રનો મોટો બેકલોગ લોકોના વિશ્વાસને દર્શાવે છે

નવી દિલ્હી, તા. 18: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના કહેવા પ્રમાણે સરકાર તરથી ન્યાયપાલિકા ઉપર કોઈ દબાણ નથી. ચૂંટણી પંચનો ચુકાદો આ વાતનો પુરાવો છે કે ન્યાયતંત્ર ઉપર કોઈપણ પ્રકારનુ દબાણ નથી. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે પેન્ડિંગ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ન્યાયતંત્ર પાસે એક મોટો બેકલોગ છે. જે લોકોના વિશ્વાસને પણ દર્શાવે છે. આ સાથે જસ્ટિસ ચંદ્રચૂડે એમ પણ કહ્યું હતું કે, જિલ્લા ન્યાયપાલિકામાં પાયાનાં માળખાની કમી છે. જેમાં સુધારાની જરૂરિયાત છે.

સીજેઆઇએ કહ્યું હતું કે,  એક જજનાં રૂપમાં 23 વર્ષની કારકિર્દીમાં કોઈએ તેઓને નથી કહ્યું કે કેસનો નિર્ણય કેવી રીતે કરવામાં આવે. કાયદા મંત્રી કિરેન રિજિજૂ સંબંધિત સવાલના જવાબમાં સીજેઆઇએ કહ્યું હતું કે, તેઓ કાનૂન મંત્રી સાથે વિવાદમાં ઉતરવા નથી માગતા. તેઓ બન્ને વચ્ચેની ધારણામાં અંતર છે. આ સાથે ઉમેર્યું હતું કે, સરકાર તરફથી ન્યાયપાલિકા ઉપર કોઈ દબાણ નથી અને હાલનો ચૂંટણી પંચનો નિર્ણય તેનો પુરાવો છે. સીજેઆઇ ચંદ્રચૂડના કહેવા પ્રમાણે ભારતીય ન્યાયપાલિકાને આધુનિક બનાવવાની જરૂરિયાત છે. વર્તમાન મોડેલ અંગ્રેજોથી વારસામાં મળેલું છે. ન્યાય માત્ર એક સંપ્રભુ કાર્ય નથી. આગામી 50-75 વર્ષમાં ભારતીય ન્યાયપાલિકાને આધુનિક ટેક્નોલોજીથી લેસ કરવી પડશે. મહામારીમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો તે દુનિયાના કોઈપણ હિસ્સામાં અભૂતપૂર્વ છે.

સીજેઆઈએ કહ્યું હતું કે, અદાલતમાં જજનું કામ તેમના એક અંશ માત્ર હોય છે. જે કામ 10.30થી 4 વાગ્યા વચ્ચે કરવામાં આવે છે તે કામનો માત્ર એક હિસ્સો છે. શનિવારે સુપ્રીમ કોર્ટના દરેક જજ પોતાના આદેશને ડિક્ટેટ કરે છે. રવિવારે ફરી આદેશને વાંચે છે જે સોમવારે સંભળાવવાનો હોય છે. આ માટે સુપ્રીમ કોર્ટના તમામ જજ સાત દિવસ કામ કરે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8-9 દિવસ અને વર્ષમાં માત્ર 80 દિવસ કામ કરે છે. જ્યારે કોર્ટ ત્રણ મહિના નથી ચાલતી. આવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં હાઈકોર્ટ મહિનામાં બે અઠવાડીયા સુનાવણી કરે છે અને વર્ષમાં 100થી ઓછા દિવસ બેંચ હોય છે. કોર્ટમાં બે મહિનાની રજા રહે છે. સિંગાપુરમાં કોર્ટ વર્ષમાં 145 દિવસ કામ કરે છે. જો કે બ્રિટન અને ભારતમાં કોર્ટ 200 દિવસ કામ કરે છે.