-દિવાળી સુધીમાં બુલડોઝર ફેરવવા આજે વહીવટીની આર.ઓ. બેઠકમાં થશે ચર્ચા
-લેન્ડગ્રાબિંગ
સંદર્ભેની 65થી વધુ ફરિયાદો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ,
તા.30 : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળતી રેવન્યુ ઓફિસર અને લેન્ડ ગ્રેબિંગની બેઠક
કોઈને કોઈ કારણે પાછી ઠેલાતી હતી. હવે આવતીકાલે મુહૂર્ત નીકળ્યું હોય તે રીતે આર.ઓ.
અને લેન્ડ ગ્રેબિંગની બેઠક મળવાની છે. જો છેલ્લી ઘડીએ કોઈ ગ્રહણ ન આવે તો કાલની બેઠકમાં
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો, સર્વે સહિતની ચર્ચા સાથે દિવાળી સુધીમાં
આવા દબાણો દૂર કરવા માટે બુલડોઝરો ફેરવવા આદેશ થાય તેવી સંભાવના છે.
ગુજરાતના
જિલ્લાઓમાં ક્યાં કેટલાં દબાણો, ધાર્મિક દબાણો છે તે બાબતે થોડા સમય પહેલાં રાજ્યભરના
કલેક્ટરોને તાકીદ કરાઈ હતી. આવતીકાલની આર.ઓ. બેઠકમાં આવા દબાણો અંગેની વિસ્તૃત માહિતી
અને ચર્ચા થઈ શકે છે. આ સાથે આવા દબાણો સત્વરે દૂર કરવા માટે શું કાર્યવાહી હાથ ધરવી
તેના માટેનો પણ એક્શન પ્લાન બનાવી દિવાળી સુધીમાં સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવા
માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ તેવું દેખાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં રેવન્યુને
લગતા કેસમાં સરકારી જમીનો પરનાં દબાણો, કોઈને કોઈ જમીનના વિવાદોની ચાલતી તપાસમાં શું
પ્રોગ્રેસ થયો તેનો આવતીકાલે તાળો આર.ઓ.ની બેઠકમાં લેવાશે.
આવતીકાલે
સવારના ભાગે આર.ઓ. બેઠક બાદ લેન્ડ ગ્રેબિંગની બેઠક મળનારી છે. આ વખતે લેન્ડ ગ્રેબિંગ
હેઠળની 65 જેટલી ફરિયાદો મળી હતી. આ ફરિયાદમાં તપાસ દરમિયાન કઈ અરજીમાં ગુનો દાખલ કરવો,
ન કરવો તે મુદ્દે પણ નિર્ણય લેવામાં આવશે.