- કબાટમાં મૂકતી વખતે રિવોલ્વરમાંથી ભૂલથી ફાયર
મુંબઈ,
તા.1 : ફિલ્મ અભિનેતા ગોવિંદા પોતાની એક ચૂકથી માંડ માંડ બચ્યો છે. સવારે તેની પોતાની
રિવોલ્વર જેમાં 6 ગોળી ભરેલી હતી તેમાંથી અચાનક એક ગોળી ફાયર થઈ જતાં પગમાં વાગી હતી
જેથી લોહી નીકળતી હાલતમાં તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયા અને સર્જરી કરીને ગોળી કાઢવામાં
આવી હતી. ડોક્ટરો અનુસાર ગોવિંદા હવે ભયમુક્ત છે. અભિનેતાએ વોઇસ મેસેજ દ્વારા પોતાને
સારું હોવાનું પ્રશંસકોને જણાવ્યું હતું. રિવોલ્વરમાંથી ગોળી મિસફાયર થઈ ત્યારે ગોવિંદા
સાથે ઘરમાં એક બોડીગાર્ડ હાજર હતો, જે મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાંચે ફાળવ્યો છે.
ઈજાગ્રસ્ત હાલતમાં બોડીગાર્ડ ગાવિંદાને હોસ્પિટલે લઈ ગયા હતા. પોલીસ સૂત્રો અનુસાર
ગાવિંદા જ્યારે કબાટમાં પોતાની લોડેડ રિવોલ્વર મૂકી રહ્યા હતા ત્યારે ચૂકથી મિસ ફાયર
થયું અને એક ગોળી પગમાં ઘૂંટણ નીચે વાગી હતી. પોઇન્ટ 3ર બોરની રિવોલ્વર લાઇસન્સવાળી
છે અને ઘણી જૂની છે. ગોવિંદા નવી રિવોલ્વર ખરીદવાનો હતો પરંતુ તે પહેલાં જ દુર્ઘટના
ઘટી છે. તપાસમાં સામે આવ્યું કે રિવોલ્વરમાં લોકનો એક નાનો ભાગ તૂટેલો છે.
મંગળવારે
ગાવિંદા કોલકત્તા જવાનો હતો જે માટે સવારે 4:4પ મિનિટે તૈયારી વખતે રિવોલ્વર હાથમાં
લીધી હતી અને મિસફાયર થયું હતું. કહેવાય છે કે કબાટમાં મૂકતી વખતે રિવોલ્વર હાથમાંથી
પડી ગઈ હતી. પત્ની સુનીતા મંગળવારે કોલકત્તામાં હતા અને દુર્ઘટનાની જાણ થતાં તુરંત
મુંબઈ પહોંચી હોસ્પિટલે દોડી ગયા હતા. પુત્રી ટીના પણ હોસ્પિટલે હતી.