રોકાણ-પ્રસંગો
માટે લગડી-ઝવેરાતની ખરીદી થઇ : સોનાના વેચાણનો જથ્થો ઘટયો, ટર્નઓવર વધ્યું
(ફૂલછાબ
ન્યૂઝ)
અમદાવાદ,રાજકોટ,
સુરત તા. 29: સોનું ખરીદવા માટે ધનતેરસનો દિવસ
ઉત્તમ માનવામાં આવે છે, મોંઘા ભાવ છતાં સોનાની નાની મોટી ચીજોની ખરીદી કરીને ઝવેરી
બજારનો દિવસ સુધાર્યો હતો. સોનું 80 હજારની સપાટીને પાર કરી ગયું છે એટલે હવે જથ્થાત્મક
દ્રષ્ટિએ ઓછું ટર્નઓવર દેખાય છે પણ નાણા વધુ પ્રમાણમાં થઇ જાય છે. એક વર્ષમાં 20 હજાર
જેટલો ભાવવધારો સોનામાં થયો છે એટલે ઘરાકીમાં
ઝાંખપ દેખાય છે પણ લોકો ઝવેરી બજારમાં મોટી સંખ્યામાં આવ્યા હતા. સવારથી સોની બજારમાં
બધે જ ટ્રાફિક હતો અને સાંજે ગિર્દી વધી ગઇ હતી.
રાજકોટ
શહેરમાં આશરે છથી સાત કિલો સોનાનો વેપાર થયો હોવાની ધારણા રખાતી હતી. જોકે રૂપિયા
20 હજારનો વધારો થયા પછી રૂપિયાની દ્રષ્ટિએ ટર્નઓવર મોટાં થઇ ગયા હતા અને રોનક વધારે
દેખાતી હતી.
ઝવેરીઓએ
કહ્યું કે, દસ ગ્રામની લગડી ખરીદનારો વર્ગ પાંચ ગ્રામ કે તેનાથી નીચેના માપની ખરીદી
રહ્યો હતો. જ્યાર વીંટી, બુટ્ટી, પેન્ડન્ટ,ચેઇન વગેરે જેવા દાગીના 7-10 ગ્રામ વચ્ચેના
વજનમાં વેચાયા હતા. ભાવની અસર ગયા વર્ષે પણ હતી અને આ વર્ષે વધારે તેજી થવાથી થોડો
વધુ ઘસારો માગને લાગ્યો છે છતાં ઉત્સાહ સારો દેખાયો હતો. પેલેસ રોડના એક ઝવેરીએ કહ્યું
કે, ગુરુપુષ્ય વખતે ગયા સપ્તાહે માગ સારી હતી અને ધનતેરસ પણ સફળ ગઇ છે.
સુરતથી
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસીએશનના ગુજરાત રીજનના પ્રમુખ નૈનેશ પચ્ચીગર કહે છે. બન્ને
ધાતુઓમાં તેજીને લીધે લોકો ખરીદી માટે ઓછા આવશે એમ લાગતું હતુ પણ ધાર્યા મુજબ માઠી
અસર થઇ નથી. ચાંદી-સોનાના સિક્કા, લગડી, રોઝ ગોલ્ડની જ્વેલરીમાં બ્રેસ્લેટ, પેન્ડન્ટ
સેટ, બેંગલ્સની ખરીદી વધુ થઈ છે. ધનતેરસે સુરતમાં દિવસે 250 કરોડથી વધુના વેપારની અપેક્ષા
રખાતી હતી.
ડી.ખુશાલદાસ જ્વેલર્સના દિપક ચોકસી કહે
છે કે, ધનતેરસની સાથે લગ્નસરાની સિઝનની શુકનવંતી ખરીદી પણ થઇ હતી. લોકોએ લગ્ન માટેના
ઓર્ડર બુક કરાવ્યા હતા તેઓએ આજે ડિલિવરી મેળવી હતી. ઉપરાંત લેબગ્રોન ડાયમંડવાળી જ્વેલરીની
ભારે ડિમાન્ડ છે.
ઘોડદોડના
કલામંદિર જવેલર્સના મિલન શાહ કહે છે કે, મોડી
સાંજ સુધી વેપાર ઘણા સારા થયા હતા. કિંમતી ધાતુઓ મોંઘી થઇ છે પણ લોકોમાં આકર્ષણ સારું
હતુ.
અમદાવાદમાં
માણેકચોક ઝવેરી બજારના આશિષ ઝવેરીએ જણાવ્યુ હતુ કે હાલમાં ભાવ ઊંચા હોવાથી લોકો પોતાના
બજેટ અનુસાર સોના-ચાંદીની લગડીઓ, લશ્મી, ગણપતિની મૂર્તિઓ ખરીદી રહ્યા છે જોકે તેનો
મુખ્ય આશય તો રોકાણનો જ હશે તેમ મનાય છે. ઘરેણા માટેની ચીજો લોકોએ ગુરુપુષ્યમાં ખરીદી
લીધી હતી.
જ્વેલર્સ
એસોસિયેશનના જીગર સોનીએ જણાવ્યુ હતુ કે શહેરભરમાં સોના ચાંદીની ખરીદીની દ્રષ્ટિએ ખૂબ
જ સારો માહોલ છે. માહોલ જોતા કહી શકાય કે લોકોને ભાવ વધારો પચાવી જાણ્યો છે. ખાસ કરીને
ઘરેણા ઉપરાંત સોના-ચાંદીની લગડીઓ પર લોકો વધુ ઝોક છે.