• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

શેરબજારનો યુ-ટર્ન : 1.08 લાખ કરોડનું ધોવાણ

સેન્સેક્સમાં 1190 પોઇન્ટ અને નિફ્ટીમાં 360 પોઈન્ટનું ગાબડું

મુંબઈ, તા.28: યુક્રેન ઉપર રશિયાએ હુમલાને વધુ ભીષણ બનાવી નાખ્યા અને યુદ્ધ વધુ તીવ્ર બનતા આજે તેનાં ધડાકા ભારતીય શેરબજારમાં પણ સંભળાયા હતાં. આઈટી શેરોમાં ભારે વેચવાલીને કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સમાં 1,190 પોઇન્ટ અને નિફ્ટીમાં 360 પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને વ્યાજદરમાં ઘટાડા અંગે અનિશ્ચિતતાએ રોકાણકારોની ભાવના વિચલિત કરી નાખી હતી. પરિણામે, તેમને આજે શેરબજારમાં આશરે 1.08 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, વ્યાપક શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.06 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.41 ટકાનો ઉછાળો રહ્યો હતો. આજના વેપારમાં આઇટી, ઓટો અને કન્ઝ્યુમર ડયુરેબલ્સ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ 1,190.34 પોઇન્ટ અથવા 1.48 ટકા ઘટીને 79,043.74 પર હતો. નિફ્ટી 360.75 પોઇન્ટ અથવા 1.49 ટકા ઘટીને 23,914.15 પર આવી ગયો હતો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 28 નવેમ્બરે ઘટીને 443.40 લાખ કરોડ રૂપિયા થયું હતું, જે અગાઉના ટ્રાડિંગ ડે પર 444.48 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે લગભગ 1.08 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં આશરે 1.08 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. લાર્જ-કેપ શેરોમાં ઘટાડો એટલો તીવ્ર હતો કે બીએસઈ સેન્સેક્સના 30માંથી 29 શેર આજે ઘટાડા સાથે બંધ થયા હતા. ઈન્ફોસિસના શેરમાં 3.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ અને એચસીએલ ટેક 2.45 ટકાથી 3.36 ટકાની વચ્ચે ઘટ્યા હતા. બીજી તરફ સેન્સેક્સનો એકમાત્ર શેર ભારતીય સ્ટેટ બેન્ક 0.55 ટકાના વધારા સાથે 838.75 રૂપિયા પર બંધ રહ્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024