મુસ્લિમ
પક્ષને હાઈકોર્ટ જવા નિર્દેશ, સર્વે રિપોર્ટ હાલ જાહેર નહીં થાય, લોઅર કોર્ટની કાર્યવાહી
પર રોક : 6 જાન્યુઆરીએ વધુ સુનાવણી
નવી
દિલ્હી, તા.ર9 : ઉત્તરપ્રદેશના સંભલમાં તાજેતરમાં થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં
પહોંચ્યો છે. સંભલની શાહી જામા મસ્જિદના સર્વે મામલે સુનાવણીમાં કોર્ટે મુસ્લિમ પક્ષને
હાઈકોર્ટમાં જવા નિર્દેશ આપ્યો હતો. મસ્જિદ કમિટીની અરજી પર સુપ્રીમે કોઈ મત કે ચુકાદો
આપ્યો નથી. તેના પર વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ થશે. અરજીમાં મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો
છે કે મસ્જિદ સર્વેનો આદેશ એ કાયદાનો ભંગ છે.
શુક્રવારે
સુનાવણી દરમિયાન સુપ્રીમે લોઅર કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી હતી. લોઅર કોર્ટ ત્યાં
સુધી કોઈ કાર્યવાહી નહીં કરી શકે જયાં સુધી મુસ્લિમ પક્ષની અરજી હાઈકોર્ટમાં લિસ્ટેડ
થઈ ન જાય. સંભલ શાહી જામા મસ્જિદ કમિટીએ લોઅર કોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમે તેમને હાઈકોર્ટ જવા નિર્દેશ આપતાં હાઈકોર્ટને આદેશ આપ્યો
કે તે મસ્જિદ કમિટીની અરજીનું લિસ્ટિંગ 3 વર્કિંગ ડેની અંદર કરે.
ચીફ
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજયકુમારની ખંડપીઠે સર્વે કમિશનરના રિપોર્ટને
રજૂ કરવા પર રોક લગાવી નથી પરંતુ હાલ તેને બંધ લિફાફામાં રાખવાનો આદેશ આપ્યો હતો. જે
સાથે હવે સર્વે રિપોર્ટ પણ નહીં ખુલે. આ પહેલા લોઅર કોર્ટના આદેશથી એડવોકેટ કમિશનરે
જામા મસ્જિદનો સર્વે કર્યો હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતા. સંભલ જામા
મસ્જિદ હરિહર મંદિર હોવાના દાવા સાથે તેના સર્વેની માગ ઉઠી હતી. લોઅર કોર્ટના આદેશ
બાદ ર4 નવેમ્બરે જ્યારે સર્વે કરવામાં આવ્યો તો સંભલમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં
પાંચ લોકોના મૃત્યુ થયા હતા.