• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

સોરસના સંગઠન સાથે સોનિયા ગાંધીના સંબંધોના આક્ષેપથી સંસદમાં હોબાળો સામસામી આક્ષેપબાજીથી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત

 આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 9 : ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આજે ફરીથી વિવિધ મુદે તકરારના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી વારંવાર સ્થગિત થઈ હતી. શાસક અને વિપક્ષ વચ્ચે સંસદમાં અદાણી ઉદ્યોગગૃહ સામેના કથિત ભ્રષ્ટાચારના મામલે અને અમેરિકાની એક સંસ્થા સાથે સોનિયા ગાંધીના કથિત સંબંધોના મુદે સામસામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. બંને પક્ષે સામસામે આક્ષેપોની તોપો ધણધણાવતા દિવસભર બંને ગૃહોમાં હોબાળો મચતો રહ્યો અને દિવસભર ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે સોરોસ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ વિપક્ષના નેતાઓ સાથે મળીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમ જ ભારત અને નરેન્દ્ર મોદીની સરકારને બદનામ કરી રહ્યા છે. આજે સંસદની કાર્યવાહી શરૂ થાય એ પહેલા જ પત્રકારોને સંબોધતા કેન્દ્રના પ્રધાન કિરણ રિજિજુએ દાવો કર્યો હતો કે કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને હંગેરિયન-અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરસના સંગઠન ફોરમ અૉફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા-પેસિફિક (એફડીએલ-એપી) વચ્ચેના સંબંધો ગંભીર ચિંતાનો વિષય છે. રિજિજુએ કહ્યું હતું કે આ મુદાને રાજકીય દૃષ્ટિએ જોવાને બદલે દેશ વિરોધી તાકાતો સામે સૌએ એક સૂરે અવાજ ઉઠાવવો જોઇએ.

ભાજપે આક્ષેપ કર્યો હતો કે જ્યોર્જ સોરસ આર્થિક મદદ કરે છે એવા સંગઠનો સાથે સોનિયા ગાંધી જોડાયેલાં છે. આ સંગઠનો કાશ્મીરની સ્વતંત્ર જેવી ભારત વિરોધી ચળવળને પ્રોત્સાહન આપે છે. અમે ઇચ્છીએ કે સંસદની કાર્યવાહી બરાબર ચાલે, પરંતુ એ સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મુદા રાજકીય હોય છે પરંતુ દેશની બહારના કોઈ સંગઠન ભારત વિરોધી ચળવળોને પ્રોત્સાહિત કરતા હોય એ મુદા ગંભીર બની રહે છે.

ઇન્ડિ મોરચામાં રાહુલ ગાંધીના નેતૃત્વ સામે ઉઠી રહેલા સવાલોના મુદે રિજિજુએ કહ્યું હતું કે વિપક્ષોની આંતરિક ખેંચતાણમાં મને કોઇ રસ નથી પરંતુ રાહુલ ગાંધી ઇન્ડિ મોરચાના નેતૃત્વ માટે સક્ષમ નથી એવું મેં સાંભળ્યું છે અને એમના સહયોગી પાર્ટીઓમાં આ વિશે ઉહાપોહ છે.

કૉંગ્રેસે શું કહ્યું ? : ભાજપના આક્ષેપો સામે કૉંગ્રેસે કહ્યું હતું કે માત્ર ગૌત્તમ અદાણીને બચાવવા સત્તાધારી પાર્ટી સંસદની કાર્યવાહી ખોરવવા સાથે જ અન્ય એક શક્તિશાળી રાષ્ટ્ર સાથે દેશના સંબંધોને ભાજપ જોખમાવી રહ્યો છે. કૉંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેરાએ કહ્યું હતું કે જ્યારથી સંસદનું અધિવેશન શરૂ થયું છે ત્યારથી અમે ઘણાં મુદા ઉઠાવી રહ્યા છીએ પરંતુ એક મુદો વડા પ્રધાન મોદીથી સહન નથી થતો. અમે જેવો અદાણીનો મુદો ઉઠાવીએ એટલે વડા પ્રધાન જાત પરનું નિયંત્રણ ખોઈ બેસે છે. જેવી સંસદની કાર્યવાહી શરૂ થાય એટલે વિપક્ષનું મોં બંધ કરવાના પેંતરા સાથે જ એક વ્યક્તિ માટે સત્તાધારીઓ અન્ય એક રાષ્ટ્ર સાથે સંબંધો જોખમમાં મુકી રહ્યા છે.

ખેરાએ આક્ષેપ કર્યો હતો કે સોરસના સંગઠન સાથે સંબંધો એ કોઇ મુદો છે? અને જો એ મુદો હોય તો અમે પણ કહી શકીએ છીએ કે કયા પ્રધાનના પુત્રએ સોરોસ તરફથી મળેલી ગ્રાન્ટની મોટી રકમો સાથે શું કર્યું. સોરસના સંગઠનો તરફથી મોટી રકમો કેટલા પ્રધાનોના પુત્રોને મળે છે, એ કોઇ મુદો છે?

લોકસભામાં કૉંગ્રેસ, ડીએમકેએ અદાણી જૂથ સામે કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતના મુદે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રિસાઇડિંગ અૉફિસરે સભ્યોને ગૃહની કાર્યવાહી બરાબર ચાલવા દેવા અપીલ કરી હતી પરંતુ અપીલની કોઇ જ અસર દેખાઇ નહોતી.

રાજ્યસભામાં હોબાળો : રાજ્યસભામાં પણ શાસક-વિપક્ષ વચ્ચે આક્ષેપબાજીથી દિવસભર ગૃહની કાર્યવાહી ખોરંભે પડતી હતી. ગૃહના નેતા જે પી નડ્ડાએ કૉંગ્રેસ દેશની સુરક્ષા સાથે જોખમી રમત રમી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. નડ્ડાના આક્ષેપ પ્રમાણે કૉંગ્રેસ દેશમાં અસ્થિરતા લાવવાનું હથિયાર બની રહી છે. સોરસના સંગઠન અને કૉંગ્રેસના ટોચના નેતા વચ્ચેના સંબંધો અંગે નડ્ડાએ ચિંતા દર્શાવી હતી. નડ્ડાએ કહ્યું હતું કે સત્તાધારીઓ આ મુદે ગૃહમાં ચર્ચા ઇચ્છે છે કેમ કે આ મુદો સમગ્ર દેશને સ્પર્શે છે.

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે ગૃહ માટે દેશની એકતા અને અખંડિતતા સર્વોપરી છે. દેશને તોડનારી શક્તિઓને નેસ્તનાબૂદ કરવી જોઇએ. તેમ જ દેશની પ્રગતિને નુકસાનકારક વિભાજનકારી તાકાતોને હરાવવી જોઇએ. ગૃહના દરેક સભ્યએ દેશ વિરોધી તાકાતો સામે એક અવાજે બોલવું જોઇએ. ગૃહમાં શોર મચતા વારેવારે કાર્યવાહી બાધિત થઇ હતી અને આખરે દિવસ આખો ધોવાયો હતો. ગૃહમાં શાસક-વિપક્ષની આક્ષેપબાજીને ટાળવા સભાપતિએ બપોર બાદ ગૃહના નેતા નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરી હતી. બાદમાં જણાવાયું હતું કે મંગળવારે સવારે ફરીથી મળીશું અને ગૃહની કાર્યવાહી આગળ ચાલે એ માટે પ્રયાસ કરાશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025