જૂનાગઢની
કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી કાર સાથે અથડાઇ : બે વિદ્યાર્થી ગડુ કોલેજમાં પરીક્ષા
આપવા જતા’તા
કારનો
ગેસનો બાટલો ઉડીને બાજુમાં રહેલા ઝૂંપડામાં પડતા આગ લાગી
જૂનાગઢ,
માળિયા હાટીના, તા.9 : જૂનાગઢ અને કેશોદના બે કોલેજીયન યુવાન રાજકોટથી આવેલા બે મિત્ર
સાથે પોતાની કારમાં ગડુ ખાતેની કોલેજમાં પરીક્ષા આપવા જઇ રહ્યા હતા ત્યારે સોમનાથ નેશનલ
હાઇવે ઉપર ભંડુરી ખાતે કાર ડિવાઇડર ઠેકી સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા બન્ને
કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનો સહિત સાત કાળનો
કોળિયો થતા સોરઠમાં અરેરાટી પ્રસરી ગઇ છે.
બનાવની
વિગત પ્રમાણે જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં રહેતા ધરમ વિજયભાઇ ધરાદેવ તથા માણેકવાડાના
અને કેશોદ રહેતા નકુલ વિક્રમભાઇ કુવાડિયા બન્ને ગડુ ખાતેની સૌરભ કોલેજમાં આજથી શરૂ
થતી પરીક્ષા આપવા માટે જવાના હતા. તેમજ રાજકોટ રહેતા પોતાના મિત્ર અક્ષત સમીરભાઇ અને
તેનો મિત્ર ઓમ રજનીકાંત મુગરા જૂનાગઢ રહેતા મામાના ઘરે આવ્યા હતા. જૂનાગઢથી વિજયભાઇ
ધરાદેવએ પોતાની કાર નં.જી.જે.11.એસ.4416માં બિલખા રોડ ઉપર રહેતા મિત્ર વજુભાઇ કરશનભાઇ
રાઠોડને ડ્રાઇવર તરીકે બોલાવી સવારે પોતાના પુત્ર ધરમ તથા રાજકોટથી આવેલા પોતાના પુત્રના
મિત્રો સાથે ગડુ જવા રવાના થયા હતા. કેશોદથી નકુલ વિક્રમભાઇ કુવાડિયાને બેસાડી ગડુ
તરફ જઇ રહ્યા હતા. દરમિયાનમાં સવારના 7-30 આસપાસ ભંડુરી ખાતે આ કારના ચાલકએ કાબૂ ગુમાવતા,
કાર ડિવાઇડર કૂદી રોગ સાઇડમાં સામેથી પૂરપાટ ઝડપે આવતી સેલેરીયો કાર નં.જી.જે.11, સી.ડી.3004
સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બન્ને કારમાં સાત લોકોની મરણ ચીસ સંભળાઇ
હતી. કારમાં રહેલો ગેસ સિલિન્ડર ફંગોળાઇ, રસ્તાના કાંઠે આવેલા ઝૂંપડામાં તાપણું ઉપર
સિલિન્ડર પડતા ઝૂંપડામાં આગ ભભૂકી હતી પણ સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ ગમખ્વાર
અકસ્માતની જાણ થતા ભંડુરીના લોકો મદદે દોડયા હતા. માળિયા પોલીસને જાણ થતા પી.એસ.આઇ.
એસ.એલ. સુમરા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. બનાવની ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા વિભાગીય
પોલીસ વડા ડી.વી. કોડિયાતર તથા જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ઘટના સ્થળે દોડી ગયા
હતા. તેમના માર્ગદર્શનમાં બન્ને કારમાંથી મૃતદેહોને બહાર કાઢી, માળિયા હોસ્પિટલમાં
ખસેડાયા હતા.
આ ગોજારા
અકસ્માતમાં ગડુ તરફથી આવી રહેલી કારમાં જાનુડાના વિનુભાઇ દેવશીભાઇ આહિર (ઉં.વ.35) તથા
વેરાવળના ડામોરના રાજુભાઇ કાનજીભાઇ ખુટણ (ઉં.વ.40)નું મહારાષ્ટ્રમાં કન્સ્ટ્રક્શન કામ
ચાલતું હોવાથી તેઓ ત્યાં જઇ રહ્યા હતા. તેઓ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયા હતા. આ
ગમખ્વાર અકસ્માતમાં જૂનાગઢ તરફથી ગડુ જઇ રહેલી કાર કોણ ચલાવતું હતું ? તે હજુ નક્કી
ન થતા, ભંડુરીના વહારે આવેલા લોકો તથા સીસીટીવી ફૂટેઝ તપાસી, ખરાઇ કર્યા બાદ ચાલક સામે
ગુનો નોંધનાર છે તેમ પોલીસે જણાવ્યું હતું.