• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

PMJAY યોજનામાં ગેરરીતિ : રાજ્યમાં 5 હોસ્પિટલ, 2 ડોક્ટર સસ્પેન્ડ

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 12 હોસ્પિટલને સસ્પેન્ડ અને ડિએમ્પેનલ્ડ કરાઈ : યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, બી.યુ.-ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતનાં કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઈ :  50 લાખ સુધીની પેનલ્ટી

અમદાવાદ, તા.9 : ખ્યાતિ હોસ્પિટલ કાંડે ચકચાર મચાવ્યા બાદ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હૉસ્પિટલ્સ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃત્તિ સામે હવે મોડે મોડે લાલ આંખ કરી છે. જેમાં પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હૉસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હૉસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હૉસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હૉસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં વિવિધ ખામીઓ અને ગેરરીતિ જોવા મળતા ઙખઉંઅઢમા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

મળતી વિગત પ્રમાણે રાજ્યમાં તા.2થી 8મી ડિસેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડૉક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેન્યુઆરીથી અત્યારસુધીમાં આ યોજના અંતર્ગત વિવિધ ગેરરીતિઓ બદલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ અને ડિ-એમ્પેનલ્ડ કરવામાં આવી છે.  પ્રધાનમંત્રી જન આરોગ્ય (ઙખઉંઅઢ) યોજના અંતર્ગતની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ-(જઅઞિ) તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેમાં પાટણની હીર હોસ્પિટલની મુલાકાત વખતે પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડયું હતું. જેથી હીર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ પ્રિગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે અને આ હોસ્પિટલમાં રૂ. 50,27,700ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઈ છે. 

એવી જ રીતે, પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી હતી અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કર્યું છે, તેમની પાસે દર્દીના લેબ રિપોર્ટ માગવામાં આવતા રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઈ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણીની જ શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઈ છે. હોસ્પિટલને કુલ રૂ. 15,16,350ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે જ્યારે દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમા માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડયુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્સપાયરીવાળી દવાનો જથ્થો જણાઈ આવતાં હોસ્પિટલને બી.યુ. પરમિશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઈ છે તથા અરવલ્લીની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ તેમજ એનઆઇસીયુમાં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઈ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઈ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. ખ્યાતિ કાંડ બાદ સરકારે લીધેલાં પગલાં અંગે ‘ફૂલછાબ’ સાથેની ખાસ વાતચીતમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે, સ્ટેટ ફ્રોડ યુનિટમાં તજજ્ઞ ડોક્ટરની ખાસ ટીમ ઉભી કરી છે. આ ટીમ પીએમજેવાય યોજના હેઠળ જે હોસ્પિટલે ઓપરેશન કરી આ યોજના હેઠળ ખોટી રીતે પૈસા લીધા હોય એની તપાસ કરી રહી છે. જેમાં કેટલીક હોસ્પિટલમાં પેથોલોજીના રિપોર્ટ ખોટા ઉભા કરી, ગરીબ લોકોના બિનજરૂરી ઓપરેશન કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. ગરીબોની આ યોજનાનો સાચા અર્થમાં ગરીબો સુધી લાભ પહોંચે અને સરકારી યોજનાના પૈસા ખોટી રીતે પડાવનાર ડોક્ટરને શિક્ષા થાય એ માટે ખાસ પગલાં લીધાં છે. જેમાં તજજ્ઞ તબીબોએ એક એક ઓપરેશનની ડીટેલ તાપસવાનું શરૂ કર્યું છે. હાલના તબક્કે પાંચ હોસ્પિટલ ધ્યાનમાં આવી છે, એમાં હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી દૂર કરવા ઉપરાંત ડોક્ટરને સસ્પેન્ડ પણ કર્યા છે અને તેમની પાસેથી યોજનાનાં નામે લીધેલા પૈસા પેનલ્ટી સાથે વસૂલ કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025