-પેન્ડિંગ
કેસોનાં ભરાવાને પગલે અસ્થાયી ન્યાયધીશોની નિમણૂક જરૂરી ગણાવતી સુપ્રીમ : ફક્ત અપરાધિક
કેસોની અપીલોની કાર્યવાહી સંભાળશે
નવી
દિલ્હી, તા.22: દેશભરમાં હાઈકોર્ટોમાં ખડકાઈ રહેલા પેન્ડિંગ કેસોનાં ગંજને ધ્યાને રાખીને
હવે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનું પગલું ભર્યુ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું
કે, હવે ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયધીશોની હંગામી નિયુક્તિ કરવાનો સમય પાકી ગયો છે. આ
અસ્થાયી જજો સ્થાયી જજની અધ્યક્ષતાવાળી બેન્ચમાં સામેલ થઈને અપરાધ સંબંધિત અપીલોનો
ઉકેલ લાવશે. આનાં માટે બંધારણનાં અનુચ્છેદ 224-એનો સંદર્ભ લેવામાં આવ્યો છે.
સુપ્રીમ
કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ સંજીવ ખન્ના, ન્યાયધીશ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠે
કહ્યું હતું કે, હાઈકોર્ટોમાં અપરાધ સંબંધિત અપીલોનો પૂરતા પ્રમાણમાં નિકાલ થઈ રહ્યો
નથી. જજો વચ્ચે કેસોની વહેંચણી અત્યાધિક વધી ગઈ છે. પીઠે આગળ વર્ષ 2021માં સુપ્રીમ
કોર્ટ દ્વારા કરવામાં આવેલા એક ફેંસલામાં સુધારાની આવશ્યકતાની વાત કરી હતી, જેથી ઉચ્ચ
અદાલતોમાં અસ્થાયી જજોની નિયુક્તિની પ્રક્રિયાને આગળ વધારી શકાય.
વધુ
પડતા પેન્ડિંગ કેસોનાં કારણે અનેક અપરાધી સજા ભોગવી લીધા પછી પણ પોતાની અપીલો ઉપર ફેંસલાની
રાહ જોઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આવા પેન્ડિંગ કેસોની સ્થિતિ ઉપર ચિંતા પ્રગટ
કરી હતી. અલીગઢ હાઈકોર્ટમાં વર્ષ 2000થી 2021 વચ્ચે અપરાધિક કેસો સંબંધિત અપીલો ઉપર
ફેંસલાની ગતિ વિશે સુપ્રીમ કોર્ટે આંકડા પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે, નવી અપીલ
ઉપર ચુકાદો આપવામાં સરેરાશ 3પ વર્ષ જેટલો સમય લાગી જાય છે. 21 વર્ષનાં ગાળામાં 1.7
લાખ અપીલો દાખલ કરવામાં આવી છે પણ માત્ર 31 હજાર મામલામાં જ ફેંસલો સંભળાવાયો છે. અત્યારે
અલીગઢ હાઈકોર્ટમાં 63 હજાર, પટણા હાઈકોર્ટમાં 20 હજાર, કર્ણાટક હાઈકોર્ટમાં 20 હજાર,
પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં 21 હજારથી વધુ અપરાધિક કેસોની અપીલો હજી પણ પેન્ડિંગ છે.
આ સંજોગોમાં હંગામી ન્યાયધીશોની નિયુક્તિ સમસ્યાનો અસરકારક ઉપાય બની શકે છે. જો કે
આવા ન્યાયધીશોનું કાર્યક્ષેત્ર અપરાધિક કેસોની અપીલો સુધી જ સીમિત રહેશે.
સુપ્રીમ
કોર્ટ દ્વારા અસ્થાયી જજોની નિયુક્તિ માટે દિશા-નિર્દેશ આપતા વર્ષ 2021નાં સુપ્રીમ
કોર્ટનાં ફેંસલાની સમીક્ષા કરી હતી અને પીઠે એટર્ની જનરલ આર.વેંકટરમણી પાસે તેનાં ઉપર
અભિપ્રાય પણ માગ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ જ સ્પષ્ટ કરેલું હતું કે, અસ્થાયી જજોની
નિયુક્તિનો નિર્ણય માત્ર એવી પરિસ્થિતિમાં જ લેવામાં આવશે જ્યારે હાઈકોર્ટમાં જજોનાં
ખાલી પદ 20 ટકાથી વધુ હોય. આ સાથે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, અનુચ્છેદ
224-એનો ઉપયોગ નિયમિત નિયુક્તિનાં વિકલ્પ તરીકે કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે હવે
કહ્યું છે કે, હાઈકોર્ટ અને ભારત સરકાર તરફથી પ્રસ્તુત શપથપત્ર ઉપર ગહત વિચારણા કરવામાં
આવી છે. હાલનાં સમયે હંગામી જજોની નિયુક્તિ આવશ્યક છે અને એટલે જ સર્વોચ્ચ અદાલત આના
માટે દિશા-નિર્દેશ તૈયાર કરે તે જરૂરી બની ગયું છે.