-ગેરકાયદે
રહેવાસીઓ પર ગાજ, ભારત સરકાર કરશે સહયોગ
નવી
દિલ્હી, તા.રર : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથ લેતાં જ ગેરકાયદે રહેવાસીઓ
પર કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર ભારત સરકાર ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને અમેરિકામાં
ગેરકાયદે વસવાટ કરતાં 18000 જેટલા ભારતીય નાગરિકોની ઓળખ મેળવવા અને તેમને પરત મોકલવા
કામગીરી કરશે. અમેરિકા સાથે વ્યાપાર યુદ્ધ ટાળવા ભારત સરકાર ત્યાં ગેરકાયદે રહેતાં
18000 ભારતીયોને પરત લાવવા તૈયાર હોવાનું કહેવાય છે.
અમેરિકાએ
આરંભિક રીતે 18000 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને ઓળખી કાઢયાનું મનાય છે. તેમને ભારત પરત
મોકલાશે જેમાં ભારત સરકાર સહયોગ કરશે. જો કે ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોની
સંખ્યા આથી વધુ હોઈ શકે છે. ઓળખ જાહેર ન કરવાની શરતે અધિકારી સૂત્રોએ કહયું કે અમેરિકામાં
ગેરકાયદે રહેતાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે. જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબથી છે.
અન્ય
દેશોની જેમ ભારત પણ ટ્રમ્પ પ્રશાસનને રાજી કરવા અને તેમના સહયોગ માટે તૈયાર છે. ભારત
સરકાર ટ્રમ્પ પ્રશાસન સાથે કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉતરવા ઈચ્છતી નથી. ગેરકાયદે પ્રવાસીઓ
પર કાર્યવાહીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગ્રતા આપી છે અને ભારત સહિત અનેક દેશોને તેની અસર
થશે. ભારત સરકાર ઈચ્છે છે કે ટ્રમ્પ સરકાર ગેરકાયદે પ્રવાસીઓ સામે કાર્યવાહીના બદલામાં
અમેરિકામાં કાયદેસર એન્ટ્રી માટે અપાતી એચ-1બી વીઝા સહિત સુવિધાને ભારત માટે યથાવત
રાખે.