બે માસ
પૂર્વે જે યુવક સાથે પિતરાઈની સગાઈ કરાવી હતી તેણે ઉશ્કેરાઈને એસિડ ફેંક્યો
જેની
સગાઈ કરાવી તે બહેન અન્ય સાથે નાસી ગઈ, ઉશ્કેરાયેલા યુવાને મધ્યસ્થી બનેલાં મહિલાને
નિશાન બનાવ્યાં
રાજકોટ,
તા.ર3 (ફૂલછાબ ન્યૂઝ) : રાજકોટના કુવાડવા નજીક આવેલા સોખડા ગામે એક મહિલા ઉપર યુવાને
એસિડ એટેક કરતાં ચકચાર ફેલાઈ છે. મહિલાએ પોતાની પિતરાઈ બહેનની સગાઈ આ જ ગામના યુવાન
સાથે કરાવી આપી હતી પરંતુ સગાઈ પછીના બે જ મહિને તે યુવતી અન્ય યુવક સાથે ભાગી જતાં
ઉશ્કેરાયેલો યુવાન વારંવાર આ સગાઈ કરાવવામાં મધ્યસ્થી બનનાર મહિલાનાં ઘરે જઈ તેને ધમકાવતો.
ગઈકાલે અત્યંત ઉશ્કેરાટમાં તેણે ફરી પોતાની વાગ્દત્તાને મેળવી આપવા કહ્યું અને પછી
એસિડ તે મહિલા ઉપર છાંટયું હતું. દાઝેલી સ્થિતિમાં તેને હોસ્પિટલે દાખલ કરાઈ હતી.
પોલીસમાં
નોંધાયેલી વિગત અનુસાર સોખડા ગામે રહેતાં વર્ષાબેન માધવભાઈ ગોરિયા નામની મહિલા સાંજે
ઘર પાસે હતી ત્યારે સોખડા ગામમાં રહેતો પ્રકાશ પ્રવીણ સરવૈયા તેનાં ઘરે ગયો હતો અને
વર્ષાબેન ગોરિયા પર બરણીમાંથી એસિડ ફેંક્યું હતું અને નાસી છૂટયો હતો અને વર્ષાબેન
શરીરે ગંભીર રીતે દાઝી જતાં તાકીદે કુવાડવા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
આ બનાવ
અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં એવું ખૂલ્યું હતું
કે વર્ષાબહેન ગોરિયાના કાકા જેરામભાઈ મકવાણાની પુત્રીની સગાઈ પ્રકાશ સરવૈયા સાથે થઈ
તેમાં વર્ષાબહેન નિમિત્ત બન્યાં હતાં. જો કે જેની સગાઈ થઈ તે પિતરાઈ બહેન પારસને પહેલેથી
રાહુલ નામના યુવક સાથે પ્રણયસંબંધ હતો. સગાઈ પછીના બે જ માસમાં તે રાહુલ સાથે નાસી
ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. પારસ વારંવાર વર્ષાબેહનનાં ઘરે જઈને પારસ ક્યાં છે,
કેમ નથી દેખાતી એવું પૂછ્યા કરતો. ગઈકાલે ફરી તે પહોંચ્યો ત્યારે પણ વર્ષાબહેને કહ્યું
હતું કે, પારસે બીજે લગ્ન કરી લીધા છે.
ઉશ્કેરાયેલા
પ્રકાશે સાથે રાખેલી સ્ટીલની બરણીમાં રહેલો એસિડ વર્ષાબહેન પર ફેંક્યો હતો, ચહેરા,
છાતી અને પગ ઉપર તે ઊડતાં વર્ષાબહેન દાઝ્યાં હતાં અને વેદનાથી ચીસો પાડી હતી. પાડોશીઓ
ત્યાં ધસી આવતાં પ્રકાશ નાસી ગયો હતો.
આ બનાવ
અંગે પોલીસે વર્ષાબેન ગોરિયાની ફરિયાદ પરથી સોખડા ગામના પ્રકાશ પ્રવીણ સરવૈયા વિરુદ્ધ
અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.