• શનિવાર, 26 એપ્રિલ, 2025

રાજ્યના નાણાપંચના વચગાળાના અહેવાલમાં જંત્રીના દરોમાં વધારો કરવાની ભલામણથી હડકંપ

વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા 4થા નાણાપંચના વચગાળાના અહેવાલમાં 31 જેટલી ભલામણોમાંથી મોટાભાગની ભલામણોનો સ્વીકાર

અમદાવાદ, તા.21 : નવેમ્બર-2024માં યમલભાઈ વ્યાસના વડપણ હેઠળ રચાયેલા 4થા ગુજરાત નાણાપંચનો વચગાળાનો અહેવાલ રાજ્ય વિધાનસભામાં રજૂ થયો હતો. જેમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો સંબંધિત લગભગ 31 જેટલી મહત્ત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. જેમાં જંત્રીના દરોમાં વધારો કરવા અંગે ભલામણ કરાઈ છે. જેનો રાજ્ય સરકાર દ્વારા અંશત :  સ્વીકાર કરાયો છે.

આ ઉપરાંત નાણાંકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા, તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નાણાંકીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રીને નાણાંકીય સિદ્ધાંતોની તાલિમ આપવા, ઈ ગ્રામ પોર્ટલ પર બી ટૂ સી સેવાઓ માટે પેમેન્ટ ગેટવે ઉપલબ્ધ કરાવવા, સરકારી વિભાગોના ડેશબોર્ડનો યોગ્ય ઉપયોગ અને તમામ ગ્રામ પંચાયતોને ડિજીટલ સેવાઓમાં આવરી લેવાની ભલામણ પણ કરવામાં આવી છે. પંચે એવું પણ નોંધ્યું છે કે, પેમેન્ટ ગેટ વેના અભાવે ચૂકવણીમાં વિલંબ થાય છે, હિસાબો મેળવવામાં મુશ્કેલી પડે છે અને વપરાશકર્તાઓને પણ અસુવિધાનો સામનો કરવો પડે છે.

રાજ્ય સરકાર દ્વારા આ પૈકીની મોટાભાગની ભલામણો સંપૂર્ણપણે કે અંશત:  સ્વીકારી છે અથવા તો, કરાયેલી ભલામણ ઉપર અમલ જારી છે, એમ કહેવાયું છે. જોકે, 4થા નાણાપંચના આ અહેવાલમાં જંત્રીના દરમાં વધારો કરવા અંગેની વિગતે ભલામણ કરાઈ છે. જેના કારણે રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલને તબક્કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જમીન-મિલકતોના બજારભાવ નક્કી કરવા માટે જંત્રીના દરમાં ધરખમ વધારો સૂચવતો મુસદ્દો જાહેર કરાયો છે. જેના અમલ માટે દ્વિધાભરી સ્થિતમાં ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મહેસૂલ વિભાગના અધિકારીઓની શુક્રવારે બેઠક પણ યોજાઈ ગઈ છે.

એક માહિતી એવી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના દરમાં કમરતોડ વધારો સૂચવતા મુસદ્દા મુજબના ભાવમાં કોઈ ઘટાડો કે રાહત નહીં આપવાના મૂડમાં નથી પરંતુ હાલની સ્થિતિએ જંત્રીના અમલીકરણ બાબતે આખરી નિર્ણય આ બુધવારે યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં લેવાશે, તે નક્કી છે.

દરમિયાનમાં રાજ્ય નાણાપંચના વચગાળાના અહેવાલમાં કહેવાયું છે કે, ગુજરાતમાં, જંત્રીના દરો, જેને સંકલ રેટ્સ અથવા ગાઇડન્સ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મિલકત નોંધણી, સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી નક્કી કરવા માટે લઘુતમ મૂલ્યાંકન તરીકે સેવા આપે છે. આ દરો વિવિધ ક્ષેત્રોમાં બદલાતા બજાર મૂલ્યો સાથે સરેખિત થવા માટે સમયાંતરે સુધારવામાં આવે છે. ગુજરાતમાં જંત્રી દરમાં સુધારાનો ઇતિહાસ વિકસતી બજારની પરિસ્થિતિને અનુરૂપ મિલકતના મૂલ્યાંકનને અપડેટ કરવાના મહત્વને રાજ્ય સરકારની માન્યતા સાથે જોડાયેલો છે. વિવિધ પ્રકારની મિલકતો અને વિસ્તારો માટે નવા જંત્રી દરો નક્કી કરવા માટે માર્ગદર્શન આપીને મિલકતના ભાવો અંગેની માહિતી એકઠી કરવા માટે સર્વેક્ષણો અને અભ્યાસો હાથ ધરવામાં આવે છે.

જંત્રીના દરોમા સુધારો કરવાથી પંચાયતી રાજ સંસ્થાઓની મહેસૂલી આવક વધશે

જંત્રીના દરોમાં વ્યવસ્થિત સુધારો કરવાથી પંચાયતી રાજ સંસ્થાઓ માટે મહેસૂલી આવકમાં વધારો થઈ શકે છે. જે તેમને સ્થાનિક વિકાસ પ્રોજેક્ટ્સ, માળખાગત સુવિધાઓમાં વધારા અને આવશ્યક સેવાઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે સશક્ત બનાવી શકે છે. વાજબી અને સાતત્યતાપૂર્ણ આવક પ્રવાહની ખાતરી કરવા માટે જંત્રી દર સુધારણાને ગ્રામીણ વિસ્તારોની આર્થિક વાસ્તવિકતાઓ સાથે સંરેખિત કરવાની ભલામણ કરવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં મિલકતોના મૂલ્યાંકનને પણ સીધી અસર થશે

મિલકતોના મૂલ્યાંકન માટે જંત્રીના દરમાં સુધારો થવાથી ગ્રામ પંચાયતો અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકાર ક્ષેત્ર હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મિલકતોના મૂલ્યાંકનને સીધી અસર થશે. મિલકતોના મૂલ્યો પર જંત્રી દર સુધારણાની અસરનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરીને, સ્થાનિક સંસ્થાઓ વિકસી રહેલા રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને નેવિગેટ કરવા માટે મિલકત માલિકો, ખરીદદારો અને વિક્રેતાઓને ટેકો આપવા માટેના પગલાનો અમલ કરી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક