ચેન્નાઈમાં સ્ટાલિનના નેતૃત્વમાં બેઠક મળી, પ્રસ્તાવ પસાર : સીએમ, ડે.સીએમ સહિત 20 દળના પ્રતિનિધિ હાજર, તૃણમૂલ ગેરહાજર
સંઘે કર્યુ ડીએમકેના વલણનું સમર્થન :
જનસંખ્યાને આધારે પરિસીમનથી અન્યાય-કેન્દ્ર સાથે સંઘર્ષ વધશે, પ્રક્રિયામાં સ્પષ્ટતાની સંયુક્ત સમિતિની માગ
ચેન્નાઈ, તા.રર : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં રચાયેલી પેનલે સંસદીય ક્ષેત્રો અંગે સીમાંકન પર 1971ની જનગણનાને આધારે લગાવવામાં આવેલી રોકને વધુ રપ વર્ષ લંબાવવા, બંધારણમાં સંશોધન સહિત માગ કરી છે.
ર0થી વધુ રાજકીય દળોના પ્રતિનિધિની હાજરીમાં સીમાંકન મુદ્દે સંયુક્ત કાર્યવાહી સમિતિની શનિવારે ચેન્નાઈ ખાતે પહેલી બેઠક મળી હતી. જેમાં પાંચ રાજ્યના સીએમ અને ડે.સીએમએ ભાગ લીધો હતો. 3 અન્ય રાજ્યના નેતાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. સમિતિએ એક પ્રસ્તાવ પસાર કર્યો જેમાં કહ્યું કે લોકતંત્રના ચરિત્રને સુધારવા કેન્દ્ર સરકાર તરફથી સીમાંકન પ્રક્રિયામાં સ્પષ્ટતા હોવી જોઈએ, જેથી તમામ રાજયોના રાજકીય દળ, રાજય સરકારો અને અન્ય હિતધારકો તેના પર ચર્ચા વિચારણા અને યોગદાન કરી શકે.
બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પી.વિજયન, તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર હાજર રહ્યા હતા. ઓડિશાની વિપક્ષી પાર્ટી બીજુ જનતા દળ અને આંધ્રની વિપક્ષી પાર્ટી વાઈએસઆર કોંગ્રેસના પ્રતિનિધિઓ જોડાયા હતા. બેઠકથી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ દૂર રહી હતી. આરએસએસ એ સીમાંકન મુદ્દે ડીએમકેના વલણનું સમર્થન કર્યુ છે. સંઘના સંયુક્ત મહાસચિવ સી.આર.મુકુંદે શુક્રવારે બેંગ્લુરુમાં સંગઠનની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન ડીએમકેએ દર્શાવેલી ચિંતાઓનું સમર્થન કર્યુ હતું.
સીએમ સ્ટાલિને કહ્યું કે સીમાંકન એ રાજ્યો માટે ખુબ જ ખરાબ સાબિત થશે જેમણે જનસંખ્યા નિયંત્રણ માટે પરિવાર યોજનાઓને સખતાઈથી લાગૂ કરી સફળતા મેળવી છે. અમે સીમાંકનની વિરુદ્ધમાં નથી પણ નિષ્પક્ષ સીમાંકન ઈચ્છીએ છીએ. જનસંખ્યાના હિસાબે સીમાંકન થશે તો સંસદમાં અમારા પ્રતિનિધિઓ ઘટશે. આવું થવા પર કેન્દ્ર સરકાર પાસેથી ફંડ મેળવવામાં સંઘર્ષ કરવો પડશે. તેલંગણાના મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે ભાજપા સીમાંકનના માધ્યમથી દક્ષિણના રાજ્યો પર પેનલ્ટી લગાવવા ઈચ્છે છે. દક્ષિણ ભારત જનસંખ્યાના આધારે થનારા સીમાંકનને સ્વીકારી ન શકે. અમોને રાજકીય રીતે સીમિત કરી દેવાશે. જે સારું કામ કરવા પર સજા જેવું હશે. કર્ણાટકના ડે.સીએમ શિવકુમારે કહ્યું કે દક્ષિણ ભારતે હંમેશાં પરિવાર નિયોજન નીતિ જાળવી રાખી અને જનસંખ્યાને નિયંત્રિત કરી છે. સીમાંકન દ્વારા અમારા રાજ્યોની બેઠકો ઘટાડી સજા આપવાનો પ્રયાસ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ભાજપા જ્યાં જ્યાં ચૂંટણી જીતે છે ત્યાં બેઠકો વધારવા ઈચ્છે છે અને જ્યાં હારે છે ત્યાં બેઠકો ઘટાડવા ઈચ્છે છે. આવા સીમાંકનનો અમે વિરોધ કરીશું. બેજેડીના પ્રમુખ નવીન પટનાયકે કહ્યું કે જનસંખ્યાના આધારે સીમાંકન દક્ષિણના રાજ્યો સાથે અન્યાય હશે જેમણે દેશહિતમાં જનસંખ્યા નિયંત્રણનું કામ કર્યુ છે. કેન્દ્ર સરકાર તમામ દળો સાથે ચર્ચા બાદ આ મામલે આગળ વધે.