સ્થાનિકોનું આંદોલન ફળ્યું : ફોર વ્હીલરની એક તરફી મુસાફરીના પીઠડિયા ટોલ પ્લાઝા પર રૂ. 45ના ઘટાડીને હવે 35 કરી દેવાયા
રાજકોટ, તા.22: રાજકોટ-જેતપુર રોડપર આવેલા ભરુડી અને પીઠડિયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમામલે સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલા આંદોલનોની મહેનત રંગ લાવી છે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસી સહિત દેશ-વિદેસમાંથી સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકોને મોટી રાહત મળી છે. રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ટોલટેક્સમાં 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવતાં સૌરાષ્ટ્રના વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સરકાર દ્વારા નોટિફિકેશ બહાર પાડી તાત્કાલિક અસરથી રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલની ફીમાં 25 ટકા જેટલો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એટલે કે અગાઉ ફોર વ્હીલર માટે એક તરફી મુસાફરીના ભરૂડી અને પીઠડિયા ટોલ પ્લાઝા પર 45 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેને ઘટાડીને હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
આજ સવારથી જ રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડિયા ટોલપ્લાઝા પર ટોલ ફીમાં ઘટાડો કરવામા આવ્યો છે. પીઠડીયા ટોલનાકા પર આજથી હવે રૂપિયા 35 કરી દેવામાં આવ્યા છે. આજથી જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ફોરવ્હીલર માટે એક તરફી મુસાફરીના ભરુડી ટોલ પ્લાઝા રૂપિયા 45 અને પીઠડિયા ટોલ પ્લાઝાના 45 વસૂલવામાં આવતા હતા. જેના હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા અન્ય લાઈટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે અગાઉ 95 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 70 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વારંવાર વાહન ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે અૉથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ટોલ પ્લાઝા પરથી દરરોજ હજારો વાહનોની અવર-જવર થાય છે. ટોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવતાં દરરોજ અપડાઉન કરતાં વાહન ચાલકોને હજારો રૂપિયાની બચત થશે.