ISF કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તોડફોડ અને આગજનીના બનાવ
નવી
દિલ્હી, તા. 14: પશ્ચિમ બંગાળમાં નવા વકફ કાયદા સામે હિંસક પ્રદર્શન થંભવાનું નામ લઈ
રહ્યું નથી. મુર્શિદાબાદ બાદ રાજ્યના અન્ય એક જીલ્લામાં હિંસા થઈ છે. દક્ષિણ 24 પરગણામાં
સોમવારે પોલીસ અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઈએસએફ)ના કાર્યકર્તા વચ્ચે ટકરાવ થયો
હતો અને આઈએસએફએ ગાડીઓમાં તોડફોડ અને આગજની કરી હતી. આઈએસએફના સમર્થકોએ ભાંગર વિસ્તારમાં
હિંસા ફેલાવી હતી. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા તેમજ પોલીસના વાહનોને આગના હવાલે
કરવામાં આવ્યા હતા.
મળતી
વિગત પ્રમાણે પોલીસે આઈએસએફ કાર્યકર્તાઓને કોલકાતાના રામલીલા મેદાનમાં જવાથી રોકતા
ઘર્ષણ શરૂ થયું હતું. આ સ્થળે પક્ષના નેતા અને ભાંગરના વિધાયક નૌશાદ સિદ્દીકી વકફ સંશોધન
વિરોધી રેલીને સંબોધન કરી રહ્યા હતા. પોલીસ સુત્રો અનુસાર રેલીમાં સામેલ થનારા લોકોને
બસંતી હાઈવે ઉપર ભોજેરહાટ પાસે રોકવામાં આવ્યા હતા કારણ કે રેલી માટે પોલીસ દ્વારા
મંજૂરી આપવામાં આવી નહોતી. આ સ્થળે ભાંગર સાથે મિનાખાન અને સંદેશખાલી જેવા પાડોસી ક્ષેત્રોમાંથી
પણ આઈએસએફ કાર્યકરો એકત્રિત થયા હતા. આ દરમિયાન ભીડે પોલીસ બેરીકેડ્સ તોડવાની કોશિશ
કરતા બન્ને પક્ષમાં ઘર્ષણ થયું હતું અને આઈએસએફ
દ્વારા હિંસક પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોઈલા બૈસાખીના અવસરે મુર્શિદાબાદમાં હિંસા
મુદ્દે કહ્યું હતું કે કાયદો હાથમાં લેનારા લોકોને છોડવામાં નહી આવે. કોઈપણ લોકતાંત્રિક
સમાજની આધારશીલા લોકોનો અવાજ અને તેના મત સાંભળવાના અધિકાર ઉપર છે. દરેક શખસને લોકતાંત્રિક
રીતે શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનો હક છે પણ કાયદો તોડવાનો નહી.