પ્રત્યાર્પણ માગવાની તૈયારીમાં લાગી ગઈ ભારતીય એજન્સીઓ
સ્વાસ્થ્યનો
હવાલો આપીને ચોક્સીએ માગ્યા જામીન
બ્રસેલ્સ,
તા.14: પંજાબ નેશનલ બેન્ક(પીએનબી) લોન છેતરપિંડી કૌભાંડનાં ગઠિયા હીરા કારોબારી મેહુલ
ચોક્સી ઉપર આખરે કાયદાનો સકંજો કસાયો છે. ભારતનાં અનુરોધ ઉપર આ ભાગેડુ કારોબારીની બેલ્જિયમમાં
ધરપકડ કરી લેવામાં આવી છે. ચોક્સી સાણસામાં આવતાની સાથે જ ભારતીય એજન્સીઓ તેનાં પ્રત્યાર્પણની
તૈયારીમાં લાગી ગઈ છે. બેલ્જિયમ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી તેનો કબજો
મેળવવામાં થોડી સરળતા રહી શકે તેમ છે.
સીબીઆઈનાં
આગ્રહ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને જેલમાં કેદ કરી લેવામાં આવ્યો છે. ભારતીય
તપાસ એજન્સીઓ દ્વારા બેલ્જિયમને ચોક્સી સામે કાર્યવાહી માટે એક ઔપચારિક પત્ર પાઠવાયો
હતો. ચોક્સી બેલ્જિયમમાં ઝળક્યો હોવાથી આ પત્રમાં ચોક્સીની ધરપકડની માગણી કરવામાં આવી
હતી. જેને પગલે બેલ્જિયમ પોલીસે 23મી મે 2018 અને 1પ જૂન 2021નાં મુંબઈ કોર્ટ તરફથી
જારી કરવામાં આવેલા વોરન્ટનાં આધારે ચોક્સીની ધરપકડ કરી હતી.
બેલ્જિયમમાં
ધરપકડ બાદ મેહુલ ચોક્સીએ નાદુરસ્ત સ્વાસ્થ્યનો હવાલો આપીને જામીનની માગણી કરી છે. ચોક્સીનાં
વકીલનું કહેવું છે કે, તેનો અસીલ બીમાર છે. તેથી તેને જામીન ઉપર છૂટકારો મળવો જોઈએ.
તેનાં વકીલે એવી દલીલ કરી છે કે, ચોક્સી એન્ટીગુઆ અને બારબુડાથી ઈલાજ માટે જ બેલ્જિયમ
આવ્યો હતો. તે પોતાની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એંટવર્પમાં રહેતો હતો. જ્યાંથી તેની
ધરપકડ કરી લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી જાણકારી અનુસાર ભારતીય એજન્સી, સીબીઆઈ અને
ઈડી હાલ બેલ્જિયમની કોર્ટમાં ચોક્સીનાં જામીન અટકાવવા અને તેનાં પ્રત્યાર્પણ માટેની
તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ છે. એજન્સીઓનાં પ્રયાસ ચોક્સીને ભારત લાવીને તેનાં સામે કેસ
ચલાવવા માટેનાં છે. જો કે ચોક્સીની વર્તમાન નાગરિકતા, તબીબી સ્થિતિ અને કાનૂની પ્રક્રિયાને
ધ્યાને લેતા આ કામ પણ આસાન રહેવાનું નથી.
ઉલ્લેખનીય
છે કે, ભાગેડુ હીરા કારોબારી ચોક્સી ગીતાંજલિ ગ્રુપનો માલિક છે. તે ભારતમાં આશરે 4
હજાર સ્ટોર ધરાવતી આભૂષણની કંપની છે. પોતાનાં ભત્રીજા નીરવ મોદી સાથે પીએનબીમાં 14
હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને તે એંટીગુઆ અને બારબુડા ભાગી ગયો હતો અને ત્યાંની
નાગરિકતા લઈ લીધી હતી.
સ્વિત્ઝર્લેન્ડ
ભાગવાની તૈયારીમાં હતો ચોક્સી
પીએનબી
કૌભાંડનાં ખુલાસા બાદ વિદેશ ભાગી ગયેલો મેહુલ ચોક્સી સાત વર્ષ બાદ પકડાયો છે. આ દરમિયાન
તેણે ત્રણ દેશમાં ઠેકાણા બદલાવેલા. જો કે હવે ચોથા દેશ બેલ્જિયમમાં તેની ધરપકડ શક્ય
બની છે. પહેલા તે એંટીગુઆનો નાગરિક બન્યો હતો. વર્ષ 2021માં તે ડોમિનિક રિપબ્લિકમાં
ગેરકાયદે ઘૂસતા પકડાઈ ગયો હતો. જ્યાંથી તેને એંટિગુઆ પરત મોકલી દેવાયો હતો. છેલ્લે
તે બેલ્જિયમમાં ઝળક્યો અને ત્યાં તેની ધરપકડ થઈ ગઈ છે. અહીંથી તે સ્વીત્ઝર્લેન્ડ ભાગવાની
તૈયારીમાં હતો.