• બુધવાર, 10 જૂન, 2026

કાશ્મીરમાં ગમ, દેશમાં ગુસ્સો

કાશ્મીરમાંથી પ્રવાસીઓના મોટાપાયે ઉચાળા, પ્રવાસન સ્થળોએ સન્નાટો: પહેલીવાર ઈમામો દ્વારા આતંકવાદીઓનો વિરોધ

શ્રીનગર તા.ર3 : પહેલગામમાં ભીષણ આતંકવાદી હુમલા બાદ દેશમાં ગમ સાથે ગુસ્સો છે તો કાશ્મીર ઘાટીમાં ચારેબાજુ ખોફનાક સન્નાટો છવાયો છે. લોકપ્રિય પ્રવાસન સ્થળોએથી પ્રવાસીઓ ઉચાળા ભરી ગયા છે. પ્રવાસન પર જ નભતાં સ્થાનિક વેપાર-ધંધાને મરણતોલ ફટકો પડયો છે. દેશની જનતા હવે આતંકવાદ પર નિર્ણાયક કાર્યવાહીની માગ કરી રહી છે. પહેલગામના આતંકી હુમલાના વિરોધમાં બુધવારે કાશ્મીર ઘાટી (ખીણ વિસ્તાર) સંપુર્ણ બંધ રહી હતી. સ્થાનિકોએ આતંકી હુમલાનો જોરશોરથી વિરોધ કરી રસ્તા ઉપર ઉતરી પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. દેશભરમાં વ્યાપ્ત જનાક્રોષ વચ્ચે  કાશ્મીર ઘાટીમાં શોકમય માહોલ છે. કાશ્મીરમાં કલમ 370 દૂર કરાયા બાદ પહેલીવાર આ રીતે બંધ પાળવામાં આવ્યો છે. ર019 સુધી અલગાવવાદીઓ આ રીતે બંધનું એલાન આપતાં હતા પરંતુ આ વખતે કાશ્મીરની જનતાએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. પહેલગામ હુમલાના વિરોધમાં સ્થાનિક રાજકીય દળો, વેપારી મંડળો, સ્કૂલ સંગઠનો, મુતાહિદા મજલિસ ઉલેમાઓએ પણ બંધનું સમર્થન કર્યુ છે. સ્થાનિકોએ બહાર નીકળી પાકિસ્તાન મુર્દાબાદ..નારેબાજી કરી હતી.

બુધવારે શ્રીનગરના લાલચોકથી જૂની બજાર સુધી દુકાનો બંધ રહી હતી. રસ્તા ઉપર અવરજવર અત્યંત ઓછી હતી. શાળા-કોલેજો બંધ રહી હતી. હુમલા બાદ પર્યટન કારોબારને ગંભીર અસર થઈ છે. પાછા ફરી રહેલા પ્રવાસીઓને એરલાયન્સોના ઉંચા ભાડા તથા વાદળ ફાટતાં તથા લેન્ડસ્લાઈડને કારણે શ્રીનગર-જમ્મુને જોડતો એનએચ-44 બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. સરકારનો ભાડા મર્યાદિત રાખવા નિર્દેશ તથા ડીજીસીએની એડવાઈઝરી છતાં શ્રીનગરથી દિલ્હીની ફલાઈટનું ભાડુ અલગ અલગ એરલાયન્સમાં વ્યક્તિ દીઠ 11000થી ર3000 સુધી પહોંચી ગયું છે. શ્રીનગરથી દિલ્હી, મુંબઈ સહિત શહેરોની ફલાઈટો ફૂલ છે.

કાશ્મીરમાં બધુ એકાએક જાણે ઠપ થઈ ગયું છે. જયાં હુમલો થયો હતો તે બૈસારન સંપુર્ણ-સજ્જડ બંધ રહયુ છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુ:ખ વ્યક્ત કર્યુ કે અમારા મહેમાનો ઘાટીથી પલાયન કરી રહ્યા છે. તેમણે કહયું કે આતંકી હુમલાની આવી બર્બરતા આપણાં સમાજમાં કયારેય સ્વીકારી ન શકાય. તેમણે રાજ્ય સરકાર તરફથી હતભાગી પરિવારો માટે 10-10 લાખ, ગંભીર ઈજાગ્રસ્તો માટે ર લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને એક લાખનું વળતર જાહેર કર્યુ હતુ. મૃતદેહોને સન્માનપુર્વક તેમના ગામ કે શહેર સુધી પહોંચાડવાની વયવસ્થા કરાઈ છે. પુર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યંy કે કાશ્મીર હવે બદલાઈ ગયું છે. સ્થાનિકોને હવે આતંકવાદીઓનો ડર નથી. સૌ જાહેરમાં નિંદા કરે છે. એટલે સુધી કે પહેલીવાર મસ્જિદોમાંથી ઈમામો આતંકવાદીઓ વિરુદ્ધ બોલી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક