• ગુરુવાર, 19 જૂન, 2025

પાકિસ્તાન પર ભારત કરશે ‘જળહુમલો’

સિંધુ બાદ હવે તુલબુલ યોજના પુન: શરૂ કરીને જેલમનાં પાણી રોકવા તૈયારી

 

નવી દિલ્હી, તા. 17 : ભારતે પાકિસ્તાનને પાણીનાં ટીપાં માટે તરસાવવાની તૈયારી કરી દીધી છે. પહેલાં સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધી. હવે જેલમ નદી પર તુલબુલ યોજના ફરી શરૂ કરાશે. આ યોજના 1987માં પાકિસ્તાનના વિરોધ બાદ રોકી દેવાઈ હતી. વુલર બૈરાજ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી તુલબુલ નેવિગેશન યોજના 1980ના દાયકામાં શરૂ કરાઈ હતી. આ બારામુલ્લામાં વુલર સરોવરના છેડા પર નિર્મિત એક કન્ટ્રોલ સ્ટ્રકચર છે, જેનાથી જેલમ નદીનાં પાણીને વહેતું રોકી શકાય છે. આ યોજનાનો હેતુ વર્ષભર નેવિગેશનની સુવિધા આપવા સામે ઠંડીના દિવસોમાં વીજળીનું ઉત્પાદન વધારવાનો હતો.

પાકિસ્તાને સિંધુ જળકરાર હેઠળ જેલમ નદી પર કોઈ પણ સ્ટોરેજની સામે વાંધો લીધો હતો બીજી ઓક્ટોબર, 1987માં ભારતે પાકના વાંધાને સ્વીકારીને કામ રોકી દીધું હતું. ત્યારથી આ યોજના અટકેલી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી દીધી હતી. હવે તુલબુલ પ્રોજેક્ટ ભારત શરૂ કરે તો પાક કોઈ વિરોધ ન કરી શકે. સિંધુ જળસંધિમાં સામેલ નહીં હોવાથી હવે ભારત પાસે પાકિસ્તાન પર આતંકવાદ વિરુદ્ધ સહયોગનું કૂટનીતિક દબાણ લાવવાની પૂરી તક છે.

ઇ-પેપરના નવા શુલ્ક