• ગુરુવાર, 19 જૂન, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ATSનું ગુપ્ત ઓપરેશન

સલાયા અને ઓખામાંથી ચાર શકમંદોને પૂછપરછ માટે ઉપાડી ગયાના અહેવાલ : ભારે ચર્ચા

 

સલાયા તા.17: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એટીએસની ટીમે એક ગુપ્ત કામગીરી હાથ ધરીને સલાયા તથા ઓખામાંથી બેથી ચાર શકમંદોને પુછપરછ માટે ઉપાડી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યો છે. જો કે બાબતે કોઇ સત્તાવાર વિગતો સામે આવી નથી.

રાજયની એટીએસની ટીમે ગઇકાલે એકાએક દ્વારકા જિલ્લાના સલાયામાં એન્ટ્રી મારી હતી અને બેથી ત્રણ શખ્સને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઓખામાંથી પણ એક શકમંદને ઉપાડી લેવામાં આવ્યો છે. અત્યંત ગુપ્ત રાહે કાર્યવાહી કરવામાં આવી હતી અને 3 થી 4 શકમંદોને અજ્ઞાત સ્થળે લઇ જઇ પુછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે, જો કે સત્તાવાર કોઇ વિગતો સામે આવી નથી.

સલાયા અને ઓખામાં એટીએસએ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યાનું અને શખ્સોને ઉપાડી ગયાનું બહાર આવતા ચર્ચાએ જોર પકડયું છે. બીજી બાજુ ડ્રગ્સ પ્રકરણ કે અન્ય કોઈ કારણસર લઇ ગયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્થીતી વચ્ચે એટીએસ ત્રાટકતા અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. અત્રે એ પણ નોંધનીય છે કે પોરબંદર, વેરાવળ અને કચ્છમાંથી છાસવારે ઝડપાતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટના અમુક તાર સલાયા સુધી લંબાતા હોય જેથી ગત વર્ષોમાં એટીએસએ સલાયાના અમુક શખ્સોની પુછપરછ હાથ ધરી હતી અને ગઇકાલે ગુપ્ત રાહે કામગીરી કરીને 3 થી 4 શખ્સોને અટકમાં પુછપરછ માટે લીધા હોવાનું બહાર આવતા આ શકમંદોને કયા કારણસર લઇ જવામાં આવ્યા છે તે વિગતો જાણી શકાઇ નથી, સ્થાનિક પોલીસ પણ આ બાબતે અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક