પૃથ્વી અવલોકન ઉપગ્રહ સાથે રોકેટ છોડાયું : ત્રીજાં ચરણમાં ખામી; તપાસ કરશું : નારાયણન
શ્રીહરિકોટા,
તા. 18 : પીએસએલવી-સી 61 રોકેટ મારફતે પૃથ્વીનાં અવલોકન માટેનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત
કરવાનું ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)નું 101મું મિશન રવિવારે પૂરું થઈ શક્યું
નહોતું.
ઈસરોએ
આજે વહેલી સવારે 5 અને 59 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્ર
પરથી રોકેટ છોડયું હતું.
શરૂઆતનાં
બે ચરણમાં બધું સામાન્ય રહ્યું, પરંતુ ત્રીજાં ચરણમાં યાંત્રિક ખામી સર્જાતાં મિશન
સફળતાથી થોડુંક દૂર રહ્યું હતું. ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ત્રીજાં
ચરણમાં મોટર પણ યોગ્ય રીતે ચાલુ થઈ ગઈ હતી, પરંતુ પછી ગરબડ શરૂ થઈ.
અમે
આ યાંત્રિક ખામીની તપાસ અને અભ્યાસ કરી રહ્યા છીએ. એક ફેલ્યોર એનાલિસીસ કમિટી એટલે
કે, નિષ્ફળતાના વિશ્લેષણ માટે સમિતિ રચાશે, તેવું તેમણે ઉમેર્યું હતું.
‘ઈસરો’
અધ્યક્ષે કહ્યું હતું કે, આ સમિતિ ઉડાનની જાણકારી મેળવવા સાથે આંકડાઓની તપાસ કરશે અને
પછી સફળતા નહીં મળવાનું સટીક કારણ જાણી શકાશે.આ કારણ જાણ્યા પછી ભવિષ્યમાં તેવી ભૂલોથી
બચવા માટેના તમામ જરૂરી ઉપાય કરાશે, તેવું વી. નારાયણને જણાવ્યું હતું.