• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 4 હત્યા

 વઢવાણમાં યુવતીને સરાજાહેર છરીના ઘા ઝીંકી રહેંસી નાખી : હળવદમાં પ્રેમપ્રકરણમાં યુવાનના કાકાનું ઢીમ ઢાળી દેવાતા ચકચાર

રાજકોટ, તા.18: સૌરાષ્ટ્રમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ગંભીર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એક જ દિવસમાં ચાર-ચાર હત્યાની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સૌરાષ્ટ્રના કેપીટલ ગણાતા રાજકોટમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. જ્યારે હળવદમાં પ્રેમપ્રકરણમાં પરિણીતાને ભગાડી જનાર યુવકના કાકાનું પતિ અને ભાઈઓએ ઢીમ ઢાળી દીધું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોળા દિવસે યુવતીને છરીના ઘા ઝીંકી રહેસી નાખવામાં આવી હતી. ચારેય બનાવો અંગે પોલીસે ગુના નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

-------

વઢવાણમાં ધોળા દિવસે યુવતીની  છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

પ્રેમપ્રકરણમાં હત્યા થયાની આશંકા : હત્યારાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેતી પોલીસ

સુરેન્દ્રનગર, તા.18: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં યુવતીની સરા જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ હત્યારો ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન હત્યાનાં ગણતરીના કલાકમાં જ પોલીસે હત્યારાની

ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.  અમન નથુભાઈ રાઠોડને સુરેન્દ્રનગર પોલીસે દબોચી લીધો.

જાણવા મળતી વિગત મુજબ વઢવાણમાં ગણપતિ ફાટસર પાસે રહેતી પાયલ સોલંકી નામની યુવતી સવારે કારખાનામાં કામે જઈ રહી હતી તે સમયે અમન નથુભાઈ રાઠોડ નામના શખ્સે 8થી 10 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારી યુવતીની ક્રૂર હત્યા કરી હતી. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોએ આક્રોશ સાથે હત્યારો ઝડપાઈ નહીં ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

મૃતકના કૌટુંબિક ભાઈ કિશોર દીપકભાઈ સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, આરોપીનું નામ અમન છે જે ઉંટડી ગામનો છે, એની સાથે જે લુખ્ખા તત્વો ફરે છે, એ પણ પકડાવા જોઈએ અને જગ જાહેર એમનો વરઘોડો નીકળવો જોઈએ.

આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા અમન નથુભાઈ રાઠોડને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. વઢવાણમાં ધોળા દિવસે સરાજાહેર યુવતીની હત્યાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.

----------

લોઠડા ગામે કાન વિંધવા ગયેલા  યુવાનનું અપહરણ કરી ઢીમ ઢાળી દીધું

મૃતકે કડી ચોરી કરી લીધાની શંકા રાખી અવાવરુ સ્થળે લઈ જઈ મરણતોલ માર માર્યો

રાજકોટ, તા.18:  રાજકોટ તાલુકાનાં લાપાસરી ગામની સીમમાં રહેતા મુળ બાબરાનાં કરીયાણા (કીડી) ગામના વતની 32 વર્ષીય યુવાન ગોપાલ ભદુભાઈ સોલંકીની લોઠડા ગામમાં રહેતા શખ્સોએ ઈકો કારમાં અપહરણ કરી અવાવરૂ સ્થળે લઈ જઈ બેફામ માર મારી હત્યા નિપજાવી હતી. આરોપીની પત્નીના કાનમાંથી એક કડી ગુમ થઈ જતાં યુવાને ચોરી કરી લીધાની શંકા રાખી તેણે મરણતોલ માર મારી હત્યા નિપજાવી હતી.  લાપાસરી ગામની સીમમાં રહેતા બચુભાઈ ભદુભાઈ સોલંકી (ઉ.વ.36) નામનાં યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોઠડા ગામે રહેતા પરબત ભીમાભાઈ કોળી, પરબતનો પુત્ર તથા ઈકો અને બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સોનાં નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો નાનો ભાઈ ગોપાલ સોલંકી કાન વિંધવા અને કટલેરી વેચવાની ફેરી કરતો હોય તે તા.17નાં સવારે બાઈક લઈ લોઠડા ગામે જવાનું કહી નિકળ્યો હતો. રાત્રે પરત ન આવતા ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. બીજા દિવસે પરિવાર શોધખોળ કરવા ગયો ત્યારે જાણવા મળ્યું હતું કે, તેનો ભાઈ ગોપાલે લોઠડા ગામે કાન-નાક વિંધવા માટે પરબતભાઈ ભીમાભાઈ કોળીનાં ઘરે ગયો હતો ત્યારે કોઈ કારણોસર ઝઘડો થતાં આરોપીઓ ઈકો ગાડીમાં નાખી બે બાઈકમાં અમુક લોકો લોઠડા જીઆઈડીસી નજીક અવાવરૂ સ્થળે લઈ જઈ હથિયાર અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં તેણે અહીં મુકી આ શખ્સો જતાં રહ્યા હતા. અહીં નજીકમાં જ કારખાનામાં કામ કરનાર વ્યકિતનું ધ્યાન ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા આ યુવાન પર પડતાં તેણે તેના શેઠને જાણ કરી હતી બાદમાં આ બાબતે જાણ કરવામાં આવતા 108નાં સ્ટાફે અહીં આવી જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક આરોપી પરબતનાં પત્નીનાં કાન વિંધવા માટે ગયો હતો. તે કામ પુરું કરી બહાર જતો હતો તે સમયે આરોપીની પત્નીને તેનાં કાનમાંથી એક કડી ગુમ થઈ ગયાનું માલુમ પડયું હતું જેથી તેણે પતિ પરબતને કહેતાં પરબત તેનો પુત્ર સહિતનાઓએ રસ્તામાં જ ગોપાલને રોકી કડી પરત આપી દેવાનું કહી તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો બાદમાં તેને ઈકો ગાડીમાં ઉઠાવી જઈ મરણતોલ મારમારી હત્યા નિપજાવી હતી. આ અંગે આજીડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

--------------

જામગઢ ગામની સીમમાં વાડીએ નિદ્રાધીન યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હત્યાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા.18:  રાજકોટ તાલુકાનાં જામગઢ ગામે રહેતા મુકેશ વવાડીયા (ઉ.વ.33) નામનાં યુવાનની અહીં ગામની સીમમાં આવેલી તેની જ વાડીએ અજાણ્યા શખ્સે મોઢાનાં ભાગે હથિયારનાં ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી તેમજ હત્યા કરનાર કોણ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.  જાણવા મળતી વિગત મુજબ જામગઢ ગામે રહેતા અને ખેતી કામ કરનાર વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયા (ઉ.વ.40)એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા (ઉ.વ.33) શનિવારે સાંજે ઘરે જમીને નિત્યક્રમ મુજબ ગામની સીમમાં આવેલી વાડીએ રખોપું કરવા માટે ગયો હતો. ત્યારબાદ સવારે ફરિયાદી વાડીએ જતા ભાઈ મુકેશ વાડીએ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડયો હતો. તેનાં મોઢાનાં ભાગે અથવા આંખનાં ભાગે તથા કપાળમાં કોઈ હથિયાર વડે ઈજા કર્યાનાં નિશાન જોવા મળ્યા હતા. જેથી પોલીસ અને 108ને પણ જાણ કરવામાં આવી હતી. 108નાં ઈએમટીએ જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ અંગે કુવાડવા રોડ પોલીસે મૃતકનાં ભાઈની ફરિયાદ પરથી હત્યા અંગેનો ગુનો નોંઘ્યો છે. પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેમને તથા મુકેશ અપરિણીત હતો તેને કોઈ સાથે કોઈપણ પ્રકારની દુશ્મની કે બીજી કોઈ માથાકૂટ ચાલતી હોવાનું જાણવા મળ્યું નથી તેમજ યુવાન પાસે કોઈ કિંમતી વસ્તુ કે રોકડ રકમ ન હતી ત્યારે આવા સંજોગોમાં યુવાનની હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે યુવાનની હત્યાનું કારણ જાણવા અને તેનાં હત્યારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

----------

હળવદના સુરવદર ગામે પરિણીતાને  ભગાડી જનાર યુવકના કાકાની હત્યા

પરિણીતાના પરિવાજનો તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી દીધા : પુત્ર-પુત્રીને પણ ઈજા

હળવદ,તા.18: હળવદના સુરવદર ગામે રહેતા યુવકે પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈને પરિણીતાના પરિવારજનોએ આ યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં યુવકના કાકાની હત્યા નીપજી હતી. જ્યારે મૃતકના પુત્ર અને પુત્રીને પણ ઈજા પહોંચી હતી. જાણવા મળતી વિગત મુજબ હળવદના સુરવદર ગામે રહેતા મનોજ કરશનભાઈ ધામેચાને પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈને યુવક પરિણીતાને ભગાડી ગયો હતો.જેનો રોષ રાખીને પરિણીતાના ભાઈ સહિતના પરિવારજનોએ સુરવદર ગામે આવી પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં હુમલાખોરોએ ફળિયામાં સૂતેલા મનોજના કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા (ઉંમર 55) ને ટિગાટોળી કરી ઘર બહાર લઈ જઈ તીક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં આધેડનું કરુણ મોત નિપજ્યું છે. જયારે મૃતકની પુત્રી અને પુત્રને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હળવદના પીઆઇ આર.ટી. વ્યાસે જણાવ્યું હતું કે, હત્યાના આ બનાવ બાદ બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે મૃતકના ભત્રીજા કિરણ કરશનભાઈ ધામેચાની ફરીયાદ પરથી આરોપી શામજી રણછોડભાઈ કોળી, સાગર રણછોડભાઈ કોળી વિશાલ રમેશભાઈ કોળી આશીસ બાબુભાઈ કોળી અને અજાણ્યા 4 થી 5 શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક