રાજકોટ, પોરબંદર, તા.18 : જમ્મુ કાશ્મિરના પહેલગામમાં આંતકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે ઓપરેશન સિંદુર હાથ ધરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બંન્ને દેશ વચ્ચે સિઝ ફાયર બાદ પણ સ્થિતિ યોગ્ય ન હોવાનું કહેવાઈ રહ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટને પગલે મત્સ્યોદ્યોગ વિભાગે તાકીદની અસરથી એક આદેશ જાહેર કરી ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને કાંઠે પરત આવી જવા સૂચના આપી છે. દરિયામાં માછીમારોની હાજરીના કારણે દેશવિરોધી તત્ત્વોની ઘૂસણખોરી અટકાવવી મુશ્કેલ હોવાથી નવી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયામાં ન જવા તથા નવી ટોકન ઇશ્યૂ ન કરવા સૂચના અપાઈ છે.
ખરાબ
હવામાનના કારણે થોડા દિવસ બોટ કાંઠે આવી હતી અને હજુ શુક્રવારે જ માછીમાર બોટને ટોકન
આપી દરિયામાં જવા પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ 24 કલાકમાં જ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ
એજન્સી તરફથી મળેલા ઇનપુટના આધારે ફરી તમામ માછીમારોને તાકીદની અસરથી કાંઠે આવી જવા
સૂચના આપી દેવામાં આવી છે. પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં
સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાના વહીવટી
તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મત્સ્યોદ્યોગ
નિયામકે દરિયામાં ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત ફરવા અપીલ કરી છે. આ માટે જિલ્લાના
વિવિધ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખો, સમાજના આગેવાનો અને મંડળીના પ્રમુખોનો સહયોગ
માંગવામાં આવ્યો છે.
માછીમારોના
જાન-માલની સુરક્ષા માટે તમામ બંદરો પર બોટો લાંગરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાઈ
માર્ગનો દુરુપયોગ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા
છે.