• ગુરુવાર, 19 જૂન, 2025

હવે આખું ગાઝા કબજે કરવા ઈઝરાયલનો ઈરાદો

અત્યાર સુધીનું સૌથી મોટું જમીની અભિયાન : નેતન્યાહૂએ કહ્યું, આખી ગાઝા પટ્ટી અમારા નિયંત્રણમાં આવશે

નવીદિલ્હી, તા.19: ગાઝામાં કાળો કેર વર્તાવતી ઈઝરાયલની સેનાએ હવે મોટાપાયે જમીની સૈન્ય અભિયાન ઉપાડી લીધું છે. ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહૂએ એલાન કર્યુ હતું કે, તેમનો દેશ સમગ્ર ગાઝા ઉપર નિયંત્રણ કરવા જઈ રહી છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા આના માટે ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. દક્ષિણી ગાઝાનાં ખાન યુનિસ અને આસપાસનાં વિસ્તારોને સંપૂર્ણ ખાલી કરી નાખવાનાં આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.

ઈઝરાયલની સેના દ્વારા ગાઝામાં હાથ ધરવામાં આવેલા જમીની અભિયાનમાં એક જ દિવસમાં 151 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તરી ઈઝરાયલની એક ઈન્ડોનેશિયાની હોસ્પિટલમાં પણ કબ્જાનાં સમાચારો આવી રહ્યાં છે. દરમિયાન નેતન્યાહૂએ જમીનદોસ્ત થઈ ગયેલા ગાઝામાં રાહત સામગ્ર મોકલવાનું એલાન પણ કર્યુ છે. પોતાની કેબિનેટની મંજૂરી બાદ તેમણે કહ્યું હતું કે, ગાઝામાં ભૂખમરાની કગારે ઉભેલા પેલેસ્ટાઈનનાં લોકોને ભોજન સામગ્રી પહોંચતી કરવામાં આવશે.

હમાસને સંપૂર્ણપણે કચડી નાખવા ઉપર આવી ગયેલા નેતન્યાહૂએ આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, લડાઈ બહુ તીવ્ર છે અને અમે આગળ વધી રહ્યાં છીએ. અમે હવે ગાઝા પટ્ટીનાં તમામ વિસ્તારો ઉપર નિયંત્રણ કરી લેશું. હાર નહીં માનીએ. જો કે સફળ થવા માટે એવી રીતે કામ કરવું પડશે કે આપણને કોઈ રોકી ન શકે. ઈઝરાયલી સેનાએ ગાઝામાં ચાલુ કરેલા જમીની હુમલાને ગિદઓન્સ ચારિયટ્સ નામ આપ્યું છે અને આને અત્યાર સુધીનું સૌથી મોટું ભૂમિગત સૈન્ય અભિયાન ગણાવવામાં આવે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક