-માલવિયા દ્વારા રાહુલ ગાંધીની વિવાદિત તસવીર સામે ખેડાના ભાજપ પર પ્રહાર
આનંદ
કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 20 : અૉપરેશન સિંદૂરની શરૂઆત પહેલા પાકિસ્તાનને સાવચેત કરવામાં આવ્યું
હતું કે કેમ એ મુદે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સામસામી નિવેદનબાજી ચાલી રહી છે એમાં ભાજપે
આક્રમક વલણ અપનાવી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની તસવીર સાથે વિવાદિત છેડછાડ
કરીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી છે. ભાજપના આઇટી સેલના આ પ્રહાર બાદ કૉંગ્રેસે પણ
ભાજપ અને માલવિયા પર આક્રમક નિવેદનો આપ્યા છે.
ભાજપના આઇટી સેલના ચીફ અમિત માલવિયાએ એક્સ પર રાહુલ ગાંધી અને પાકિસ્તાની સેનાના
જનરલ અસિમ મુનિરની તસવીર જોડીને કૉંગ્રેસના નેતા પાકિસ્તાન તરફથી નિવેદનો આપી રહ્યાનો
આક્ષેપ કર્યો છે. આવી વિવાદિત તસવીર બનાવી માલવિયાએ નીચે લખ્યું હતું કે રાહુલ ગાંધી
માટે હવે પછી શું?..નિશાન-એ-પાકિસ્તાન (અવૉર્ડ)?
છેલ્લા
બે દિવસથી રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતાઓ વિદેશ પ્રધાન એસ જયશંકરના એક નિવેદનના
કારણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જયશંકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું
કે મિલિટરી અૉપરેશન્સ (અૉપરેશન સિંદૂર) શરૂ કરતા પહેલા ભારત તરફથી પાકિસ્તાનને ચેતવણી
આપવામાં આવી હતી કે ભારતીય સેના પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરવાની છે,
અમારો ઇરાદો પાકિસ્તાનના નાગરિકો કે સેના પર હુમલાનો નથી, તેથી પાકિસ્તાની સેનાને આ
કાર્યવાહીમાં વચ્ચે આવવું કે નહીં એની પસંદગી કરવાની છે.
માલવિયાએ
વધુમાં ટ્વીટ કર્યું હતું કે રાહુલ ગાંધી પાકિસ્તાનના હિતમાં નિવેદનો આપી રહ્યા છે
એનું આશ્ચર્ય નથી. રાહુલ ગાંધીએ પાકિસ્તાનને પાસરૂં કરતા અૉપરેશન સિંદૂરની સફળતા માટે
વડા પ્રધાન મોદીને અભિનંદન પણ નથી આપ્યા. એક વાર પણ રાહુલ ગાંધીએ એ નથી પુછ્યું કે
ભારતીય સેનાએ પાકિસ્તાનના કેટલા વિમાનોને તોડી પાડયા..કે પાકિસ્તાનના ઍરબેઝમાં હુમલા
દરમિયાન પાર્ક કરાયેલા કેટલા વિમાનો નષ્ટ થયા. રાહુલ ગાંધી તો સતત એ પુછી રહ્યા છે
કે ભારતે કેટલા વિમાન ગુમાવ્યા..આ સવાલનો જવાબ તો ડીજીએમઓની બ્રિફિંગમાં પણ મળી ગયો
છે.
માલવિયાના
આકરા પ્રહારના જવાબમાં કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ભાજપ અને માલવિયા પર પ્રહાર કર્યા
હતા. ખેડાએ અૉપરેશન સિંદૂર સંબંધે સરકારને પ્રશ્નો કરવા સાથે જ નામ લીધા વગર વડા પ્રધાન
મોદી પર પણ પ્રહાર કર્યા હતા.
ખેડાએ
કહ્યું હતું કે વિદેશ પ્રધાન કહે છે એમ પાકિસ્તાનને હુમલા પહેલા જ ચેતવણી આપી હતી કે
કેમ એ સરકારે સ્પષ્ટ કરવું જોઇએ. ભારતે અગાઉ
કહેલું કે આતંકવાદી છાવણીઓ નષ્ટ કરવાના છીએ એટલે જ મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા ખતરનાક
વૈશ્વિક આતંકવાદીઓ પોતાની છાવણીઓ છોડીને અન્યત્ર નાસી ગયા હતા? એનો જવાબ પણ સરકારે
આપવો જોઇએ.
માલવિયાની નિશાન-એ-પાકિસ્તાન સંબંધી ટીપ્પણીના જવાબમાં ખેડાએ
કહ્યું હતું કે પાકિસ્તાનનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન એક માત્ર ભારતીય નેતાને મળ્યું
છે એ દિવંગત મોરારજી દેસાઇ છે. હવે કદાચ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પાકિસ્તાન
ઍવોર્ડ માટે પસંદ કરશે. ત્યાર બાદ એ નેતાનો નંબર લાગશે જે વગર નિમંત્રણે પાકિસ્તાનના
તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફના ઘરે બિરયાની ખાવા પહોંચી ગયા હતા. આવું કહીને ખેડાએ
વડા પ્રધાન મોદી પર નામ લીધા વગર જ પ્રહાર કર્યો હતો, 2015માં વિદેશ યાત્રાએથી પરત
આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન અચાનક પાકિસ્તાનમાં ઉતર્યું હતું અને પ્રોટોકલ
તોડીને તેઓ અચાનક શરીફને મળવા પહોંચી ગયા હતા.