-અનેક ચર્ચાઓ વચ્ચે પોલીસ-વન વિભાગે હાથ ધરી તપાસ
અમરેલી,તા.20:
અમરેલી જિલ્લાના લુવારિયા ગામે સોમવારે મોડી રાત્રિના સમયે સિંહ દર્શન કરવા પહોંચેલા
ટોળાએ એક સિંહની પજવણી કરતા એક યુવકને સિંહે ફાડી ખાધો હતો. સિંહના હુમલાથી 21 વર્ષીય
યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા
પામી
છે.
જાણવા
મળતી વિગત મુજબ લાઠી તાલુકાના લુવારિયા ગામે સોમવારે મોડી રાત્રિના સમયે સિંહ દર્શન
કરવા પહોંચેલા ટોળામાંથી કોઈએ સિંહની પજવણી કરતા અથવા તો કોઈ કારણોસર અરદીપભાઇ રામકુભાઇ
ખુમાણ નામના 21 વર્ષિય યુવક ઉપર સિંહે હુમલો કરી દેતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં
આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવમાં મૃત યુવકને અમરેલી સિવિલમાં
પી.એમ. કરાવી પરિવારે અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. જો કે મીડિયા દ્વારા વનવિભાગને જાણ
કરતા વનવિભાગ દોડતું થયું હતું. ધારી વનવિભાગ દ્વારા સિંહના હુમલાથી મૃત્યુ કે અન્ય
કારણ તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
થોડા
સમયથી લાઠી તાલુકાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં સિંહો આવેલા હોય અને પોતાનું ત્યાં
જ રહેઠાણ બનાવેલુ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી સિંહ દર્શન કરવા માટે
અથવા તો સિંહની પજવણી કરવાના બનાવમાં વધારો થતાં વન્ય પ્રાણીઓ સિંહ હિંસક બની જતાં
હોય છે. ત્યારે આ બનાવ બનવા પાછળ પણ આ જ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ બનાવમાં
લાઠી પોલીસમાં કોઈ જંગલી પ્રાણીએ હુમલો કરી મૃત્યુ નિપજાવ્યાનું જાહેર થતાં પોલીસ તથા
વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.