રશિયાનાં ગુપ્ત દસ્તાવેજમાં ખુલાસો : મિત્રતાની આડમાં રશિયામાં પણ ચીનનો જાસૂસી ખેલ
નવી
દિલ્હી, તા.9: છેલ્લા કેટલાક વર્ષમાં એશિયાની બે મહાશક્તિ ચીન અને રશિયા વચ્ચે ગાઢ
બનતી ભાગીદારીએ પશ્ચિમી દેશો સામે એક મોટી ધરી જેવો આકાર લીધો છે અને અમેરિકા વિરુદ્ધ
આ બન્ને દેશની દોસ્તી બરાબર ટક્કર પણ ઝીલી રહી છે. તેવા સમયે બન્ને દેશની મિત્રતા વિશે
એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, રશિયા અને
ચીન વચ્ચેની આ અસીમ મિત્રતા પાછળનું સત્ય કંઈક બીજું જ છે. અહેવાલમાં દાવો કરવામાં
આવ્યો છે કે રશિયા ચીનને પોતાનો દુશ્મન માને છે અને તેના પર બિલકુલ વિશ્વાસ કરતું નથી.
રશિયાની
ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી)ના એક ગુપ્તચર વિભાગે ચીનને રશિયાના દુશ્મન તરીકે
વર્ગીકૃત કરેલું છે. અહેવાલમાં દસ્તાવેજને ટાંકીને કહેવામાં આવ્યું છે, રશિયાની સૈન્ય
અને ભૂ-રાજકીય અસ્કયામતો પર ચીન તેની જાસૂસી પ્રવૃત્તિઓ વધારવાનું ચાલુ રાખે છે, જે
રશિયા માટે ખતરો છે. આઠ પાનાનો આ એફએસબી મેમો
2023ના અંતમાં અથવા 2024ની શરૂઆતમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજ શરૂઆતમાં
સાયબર ક્રાઇમ જૂથ એરેસ લીક્સના હાથમાં આવી ગયો હતો. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે
કે ચીની એજન્ટો રશિયન વૈજ્ઞાનિકો અને અધિકારીઓને છેતરીને અદ્યતન લશ્કરી ટેકનોલોજીનો
ઉપયોગ પણ કરવાનો પ્રયાસ કરે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પશ્ચિમી દેશોની
યુદ્ધ વ્યૂહરચના અને શસ્ત્ર પ્રણાલીઓને સમજવા માટે ચીનના જાસૂસો રશિયા-યુક્રેન યુદ્ધ
પર પણ નજર રાખી રહ્યા છે.
અહેવાલ
મુજબ, એફએસબીએ ચીનની આ ઘૂસણખોરીને ટ્રેક કરવા માટે એક સંગઠન પણ તૈયાર કર્યુ હતું. રશિયાએ
ચીન સાથે જોડાયેલા રશિયન વ્યક્તિઓ અને ચીની મેસાજિંગ એપ વીચેટ પર નજર રાખી છે. આ માટે
રશિયા એક ખાસ એફએસબી ટૂલનો ઉપયોગ કરીને વ્યક્તિગત ડેટા પણ એકત્રિત કરી રહ્યું છે.
રશિયન
ગુપ્તચર એજન્સીનાં દસ્તાવેજમાં ચીન સાથે વ્યવહાર માટે રૂપરેખા છે. આ મુજબ, રશિયા, ચીન
સાથે રાજદ્વારી એકતાનું નાટક કરતી વખતે, ચીનની જાસૂસીનો સક્રિય રીતે સામનો કરવા માટે
સંતુલિત નીતિ બનાવશે. રશિયન અધિકારીઓને કોઈપણ સ્વરૂપમાં ચીની ખતરાને જાહેરમાં વ્યક્ત
કરવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે, જેથી દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ તણાવ ન આવે.