• ગુરુવાર, 19 જૂન, 2025

કેરળનાં તટે જહાજમાં ધડાકાભેર આગ ભભૂકી

નૌસેના અને તટરક્ષક દળે સિંગાપુરનાં ઝંડાવાળા જહાજમાંથી ચાલકદળનાં 18 લોકોને ઉગારી લીધા : આગ બુઝાવવાની કામગીરી ચાલુ

નવીદિલ્હી, તા.9: કેરળના દરિયાકાંઠે સિંગાપોરના ધ્વજવાળા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નીકળી છે. જેને પગલે ભારતીય નૌકાદળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આઈએનએસ સુરતને પણ એ તરફ રવાના કર્યુ છે.

એક સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે કેરળના દરિયાકાંઠે સિંગાપોરના ઝંડાવાળા જહાજમાં રહેલા કન્ટેનરમાં વિસ્ફોટ થયો હતો. મુંબઇમાં મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટર દ્વારા સવારે 10.30 વાગ્યે કોચીમાં તેમના સમકક્ષોને વિસ્ફોટની જાણ કરવામાં આવી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે નૌકાદળ અને તટરક્ષક દળે કેરળના દરિયાકાંઠે સળગતું કન્ટેનર જહાજ છોડી ભાગેલા 18 ક્રૂ સભ્યોને બચાવી લીધા છે.  આ જહાજ 270 મીટર લાંબું છે. આ જહાજ 7 જૂને કોલંબોથી રવાના થયું હતું. તે મુંબઈ જઈ રહ્યું હતું. તે 10 જૂને મુંબઈ પહોંચવાની અપેક્ષા હતી. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ કહ્યું હતું કે, જહાજમાં આગ હજી પણ ભભૂકી રહી છે પણ તે ઝૂક્યું નથી અને પાણીમાં તરી રહ્યું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય તટરક્ષક જહાજો સચેત, અર્નવેશ, સમુદ્ર પ્રહરી, અભિનવ, રાજદૂત અને સી-144 બચાવ કામગીરીમાં સામેલ છે. 

9 જૂન, 25 ના રોજ સવારે 10.30 વાગ્યે, એમઓસી (કોચી)ને એમઓસી(મુંબઈ) તરફથી એમવી વાન હાઈ 503 પર વિસ્ફોટની માહિતી મળી હતી. આ જહાજ સિંગાપોર ફ્લેગ કન્ટેનર જહાજ છે.

આ સૂચના ઉપર તત્કાળ પ્રતિક્રિયા આપતા ભારતીય નૌકાદળે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે આઈએનએસ સુરતનો માર્ગ બદલ્યો હતો, જે કોચી ખાતે આવવાનું હતું. વેસ્ટર્ન નેવલ કમાન્ડે સવારે 11 વાગ્યે જહાજને ડાયવર્ટ કર્યું હતું. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને સહાયનું સંકલન કરવા માટે કોચી ખાતેના નેવલ એર સ્ટેશન ઈંગજ ગરુડાથી નેવલ ડોર્નિયર એરક્રાફ્ટની સોર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક