નવી દિલ્હી, તા. 9 : ભારતમાં ફરી એકવાર કોવિડ-19 કેસોની સંખ્યામાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં, કુલ સક્રિય કેસોની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 358 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 624 દર્દીને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેના કારણે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એક મીડિયા હેવાલ મુજબ, આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા પ્રમાણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળમાં અત્યાર સુધીમાં 1,957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં સાત નવા કેસ નોંધાયા છે. આ પછી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં પણ સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં 158 નવા કેસ નોંધાતાં કુલ સક્રિય કેસની સંખ્યા 980 થઈ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 54 નવા કેસ નોંધાતાં કુલ સક્રિય કેસની સંખ્યા 747 પર પહોંચી હતી. બીજી તરફ દિલ્હીમાં પણ છેલ્લા 24 કલાકમાં 42 નવા દર્દી સાથે કુલ સક્રિય કેસની સંખ્યા 728 થઈ ગઈ છે. કર્ણાટકમાં પણ ચેપના કેસોમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 57 નવા કેસ નોંધાયા છે અને હવે 423 સક્રિય કેસ છે, તો તમિલનાડુમાં 25 નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા 219 થઈ ગઈ છે.