• ગુરુવાર, 19 જૂન, 2025

વિસાવદરમાં ‘આપ’ના ઉમેદવાર ઉપર હુમલાનો પ્રયાસ પોલીસ સ્ટેશન ખાતે ધરણા

આ પગલું ભાજપની હારનું પ્રતિબિંબ : ઈશુદાન ગઢવી

પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર ન હોવાથી આપના ઉમેદવાર તથા તેમના સમર્થકો ધરણા ઉપર ઉતર્યા

જૂનાગઢ, વિસાવદર, તા.9: વિસાવદર વિધાન સભા ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં શરૂ થતાં છમકલાઓ શરૂ થયા હોય, ગત મોડી સાંજે વિસાવદરના જીવાપરામાં આમ આદમી પાર્ટીની ચૂંટણી સભામાં ઉમેદવાર ગોપાલ ઈટાલીયા ઉપર હુમલાનો પ્રયાસની ઘટના ઘટતા ચકચાર મચી ગઈ હતી. આ પ્રયાસમાં ભાજપ ઉમેદવારના સમર્થક એવા ભાજપ નગરસેવકના પુત્ર સહિતનાઓની સંડોવણીના આક્ષેપ સાથે પોલીસની ઢીલી નીતિ સામે આપના ઉમેદવાર સહિતનાઓએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા ઉપર ઉતર્યા હતા.

વિસાવદરના જીવાપરામાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ચૂંટણીસભાનું આયોજન કરાયું હતું. ઉમેદવાર ઈટાલિયા એક અગ્રણીના ઘરે બેસવા ગયા હતા ત્યારે તેમની ગાડીને ટોળાએ ઘેરી લીધી હતી. આ અંગેની તેમના સમર્થકોએ જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યાં અચાનક ટોળુ આવી બેફામ ગાળો આપી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગોપાલ ઈટાલિયા તથા આપના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પરંતુ ત્યાં થાણા અધિકારી હાજર ન હોય તેથી આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા તથા તેમના સમર્થકો ધરણા ઉપર ઉતર્યા હતા.

ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો કે, ભાજપના નગર સેવક કમલેશ રીબડિયાનો પુત્ર અક્ષય, ભાજપના અન્ય નગરસેવકનો ભાઈ નાસીર મૈતર થતા તેના ગુંડાઓએ હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલીનીતિ રાખતા તેઓએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા ઉપર ઉતર્યા છે.

આ ઉપરાંત એક શખસ આપના ઉમેદવાર સહિતના કાર્યકરોને ધમકાવતો હોવાની ઘટના ઘટી હતી. આ બનાવથી રાજકારણ ગરમાયું છે પણ પોલીસે કોઈ કાર્યવાહી કર્યાનું બહાર આવ્યું નથી.

આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જૂનાગઢમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભાજપ હાર ભાળી જતા ગુંડાગીરી ઉપર ઉતરી છે. ભાજપ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી સરકારી મિશનરીનો દુરુપયોગ શરૂ કર્યો છે પણ ભાજપના આ પગલાથી આપના ઉમેદવાર કે કાર્યકરો ડરે તેમ નથી. ભાજપને જે કદમ ઉઠાવવા હોય તે ઉઠાવે આપની સાથે જનતા છે તેથી આપના ઉમેદવાર ડરશે કે ડગશે નહીં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક