પાકિસ્તાન અને ચીનને પણ સાફ શબ્દોમાં ચોપડાવ્યું : આતંક મુદ્દે બેવડાં ધોરણ અસ્વીકાર્ય
પેરિસ,
તા.10: ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ફ્રાન્સની ધરતી ઉપરથી પશ્ચિમી દેશોને સીધો સંદેશો
આપી દીધો છે. યુક્રેન મુદ્દે જયશંકરે સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકા કે અન્ય કોઈપણ
પશ્ચિમી દેશોનાં દબાણમાં આવીને ભારત પોતાનાં જૂના મિત્ર રશિયાની વિરુદ્ધ જશે નહીં.
ફ્રાન્સનાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જયશંકરે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે
ભારતનાં આહ્વાનની પુષ્ટિ કરી હતી પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારત આ વિવાદમાં કોઈનો
પણ પક્ષ લેવા માગતું નથી. તેમણે કહ્યું હતું કે, યુરોપનાં દેશોનો દૃષ્ટિકોણ અલગ છે
કારણ કે તેઓ આનો હિસ્સો છે પણ અન્ય દેશ માટે સ્થિતિ અલગ છે.
પાકિસ્તાન
સાથેનાં તનાવ અંગે તેમણે કહ્યું હતું કે, જો આતંકવાદી ભારત ઉપર હુમલો કરશે તો અમે પાકિસ્તાન
સહિત ગમે ત્યાંથી તેને શોધી કાઢીશું. સૈન્ય અથડામણમાં પાક.ને ચીન તરફથી મળેલા સમર્થન
વિશેનાં સવાલનાં જવાબમાં જયશંકરે બેવડાં ધોરણો સામે ચેતવણી આપતા કહ્યું હતું કે, આતંકવાદ
જેવા વિષયમાં આપણે અસ્પષ્ટતાને કોઈ હિસાબે સાંખી લઈ શકીએ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પનાં નેતૃત્વમાં
ભારત-અમેરિકાનાં સંબંધો વિશે તેમણે કહ્યું હતું કે, બન્ને દેશનાં સંબંધો મજબૂત છે.
ટેરિફની ધમકીઓ છતાં બન્ને દેશ વચ્ચે વ્યાપાર સમજૂતીની વાટાઘાટ શરૂ થઈ ગઈ છે.