- વીડિયો વાયરલ, લોકોમાં આક્રોશ : છાત્ર કણસતો રહ્યો, હું પાગલ નથી... મને છોડો...
ન્યૂયોર્ક,
તા.10: અમેરિકાનાં એક એરપોર્ટ ઉપર ભારતીય છાત્ર સાથે અપરાધી જેવો અમાનવીય દુર્વ્યવહાર
કરવામાં આવતાં ભારત અને ભારતીય સમુદાયમાં ભારે રોષ ઉઠયો છે. આ છાત્રને જમીન ઉપર ઉંધો
સૂવડાવીને હાથકડી બાંધવામાં આવી હતી. આ અત્યાચાર દરમિયાન તે કણસીને રડી રહ્યો હતો.
તે અધિકારીઓને સતત કરગરતો હતો કે, તે પાગલ નથી. આમ છતાં તેની સાથે અપરાધી જેવું વર્તન
ચાલુ જ રહ્યું હતું. તો છાત્ર પોતાને છોડવા માટે વિનંતીઓ કરતો રહ્યો હતો. આ ઘટનાનો
વિડીયો સોશિયલ મીડિયામાં ભારે ચકચારી અને ચર્ચાસ્પદ બન્યો છે અને લોકો અમેરિકામાં ભારતીયો
સાથે થતાં ગેરવર્તન સામે ગુસ્સો પણ ઠાલવી રહ્યાં છે.
ભારતીય
મૂળનાં અમેરિકી ઉદ્યમી કુણાલ જૈને સોશિયલ મીડિયા ઉપર ભારતીય છાત્રનો વીડિયો શેર કર્યો
હતો. આ છાત્રને નેવાર્ક એરપોર્ટ ઉપર પોલીસ હાથકડી બાંધતી જોવા મળે છે. આ વીડિયો સામે
આવ્યા બાદ ભારતીય દૂતાવાસે પણ એક નિવેદન જારી કર્યુ છે. કુણાલ જૈને આ વીડિયોમાં વિદેશમંત્રી
એસ.જયશંકરને પણ ટેગ કરેલા છે. આ છાત્ર એ ફ્લાઈટમાં જ સવાર થવાનો હતો જેમાં તેઓ જઈ રહ્યા
હતાં પણ પોલીસનાં અતિરેકને પગલે આવું થઈ શક્યું નહોતું.
ન્યૂયોર્ક
સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે નિવેદનમાં કહ્યું છે કે, આ ઘટના બારામાં તે સ્થાનિક
અધિકારીઓનાં સંપર્કમાં છે. દૂતાવાસ ભારતીય નાગરિકોનાં કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. બીજીબાજુ
અમેરિકામાં ભારતીય સાથે ગેરવર્તન મુદ્દે લોકોમાં ભારે આક્રોશ છે.