• ગુરુવાર, 19 જૂન, 2025

અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પોલીસની ‘બુલેટ માર્ચ’

-100થી વધુ પોલીસ કર્મચારીઓએ બુલેટ ઉપર બેસીને સમગ્ર રૂટનું પેટ્રોલિંગ કર્યુ

 

 

અમદાવાદ, તા.10 : ભગવાન જગન્નાથજીની રથયાત્રા હિન્દુ ધર્મનું એક પ્રમુખ પર્વ માનવામાં આવે છે. જે રીતે ઓડિશાના પુરીમાં ધામધૂમથી આ યાત્રા યોજાય છે તેવી જ રીતે ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ આગામી તા.27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા યોજાશે. આ પવિત્ર ઉત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પોલીસ વિભાગે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અને રૂટની તપાસ માટે બુલેટ માર્ચનું આયોજન કર્યું હતુ જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયાં હતાં.

જગન્નાથ મંદિર ખાતે સેક્ટર 1ના જેસીપી અને મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવીને બુલેટ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માર્ચ રાત્રે 10:30 વાગ્યે જગન્નાથ મંદિરથી શરૂ થઈ, જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા અને માણેકચોક થઈને પરત મંદિરે પહોંચી હતી. આ રૂટ પર 100 જેટલા બુલેટ બાઈક સાથે પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનોએ પેટ્રાલિંગ કર્યું હતું. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી.    

ઝોન-3ના ડીસીપીના જણાવ્યા અનુસાર, રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજવા માટે પોલીસે વ્યાપક આયોજન કર્યું છે. બુલેટ પેટ્રાલિંગ દ્વારા રૂટના તમામ સંવેદનશીલ સ્થળોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી છે. જો કોઈ શંકાસ્પદ બાબત જણાય તો તેની તાત્કાલિક ચકાસણી કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક