અમેરિકી
રાષ્ટ્રપતિના આગ્રહ ઉપર મોદીએ કરી ફોન ઉપર વાતચીત : 35 મિનિટ ચાલેલી ચર્ચામાં ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત
જાણકારી અપાઈ
નવી
દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના
આગ્રહ ઉપર તેમની સાથે ફોન ઉપર લાંબી વાતચીત
કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે ભારત-પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે
બનેલા ઘટનાક્રમ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી હતી. પીએઁમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટ
રીતે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સીઝફાયર સુધી પહોચવા દરમિયાન ક્યારેય,
કોઈપણ સ્તરે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અથવા અમેરિકા દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા જેવા વિષય ઉપર વાતચીત થઈ નથી. મોદીએ
સાફ ભાષામાં કહી દીધું હતું કે ભારતે કોઈની મધ્યસ્થતા સ્વીકાર કરી નથી અને કરશે પણ
નહીં. ભારત આ મુદ્દે રાજનીતિક રૂપથી પુરી રીતે એકમત છે.
પીએમ
મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલા ફોન કોલની વિસ્તૃત જાણકારી આપતા વિદેશ સચિવ
વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, મોદી અને ટ્રમ્પ વચ્ચે જી7 દરમિયાન મુલાકાત નક્કી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝડપથી પરત ફરવું પડયું હોવાથી મુલાકાત થઈ શકી નહોતી. ત્યારબાદ ટ્રમ્પના
આગ્રહથી બન્ને લીડર્સ વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી. જે અંદાજીત 35 મિનિટ ચાલી હતી.
વિદેશ
સચિવે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતનો હવાલો આપતા કહ્યું હતું કે મોદીએ ટ્રમ્પ
સાથે ઓપરેશન સિંદૂર અંગે વિસ્તારથી વાતચીત
કરી હતી. ટ્રમ્પે કહેવામાં આવ્યું હતું કે 22 એપ્રિલ બાદથી ભારતે આતંકવાદ સામેની કાર્યવાહી કરવાના પોતાના દૃઢ સંકલ્પને દુનિયાને
બતાવી દીધો છે. 6-7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી છાવણીઓને જ નિશાન
બનાવી હતી. ભારતે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે.
સીઝફાયર અંગે કહેવાયું હતું કે મોદીને ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું હતું કે પાકિસ્તાન
ભારત ઉપર મોટો હુમલો કરી શકે છે. જેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે જો હુમલો થશે તો
પાકિસ્તાનને આકરો જવાબ અપાશે.
--------------
મોદી
સાથે વાત પછી ટ્રમ્પે દોહરાવ્યું, યુદ્ધ મેં રોકાવ્યું
અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે વાત કરીને ફરી કહ્યું હતું કે,યુદ્ધ તેમણે
રોકાવ્યું છે. ટ્રમ્પે આ દાવો એવા સમયે કર્યો
છે જ્યારે પીએમ મોદી દાવાને ફગાવી ચૂક્યા છે અને કહ્યું છે કે ભારત મધ્યસ્થા સ્વીકારતું
નથી અને સ્વીકારશે પણ નહી. મીડિયા સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે ભારત-પાકિસ્તાન
યુદ્ધ રોકાવ્યું છે. તેઓને પાકિસ્તાન સાથે પ્રેમ છે. સાથે એમ પણ કહ્યું હતું કે મોદી
શાનદાર માણસ છે.